Gujarat

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી

By GS TEAM
17 Sep 20252 mins read
પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી

આ ગાડીઓ આડી અવળી કેમ પડી છે તેમ કહી

આવા યુનિફોર્મવાળાને તો હું પગ નીચે રાખું છું તેમ કહી અપમાનિત પણ કર્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનો સાથે તકરાર કરીને તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી આ શખ્સ સામે એરફોર્સ જવાનની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર-૨૫માં એરફોર્સ સિલેક્શન બોર્ડમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા જુનિયર વોરંટ ઓફિસર બાંકેબિહારી વિષ્ણુચરણ પાંડેએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સહકર્મી, વિંગ કમાન્ડર નરેન્દ્રસિંહ જુવાનસિંહ ચુડાસમા સાથે કામ અર્થે સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ગયા હતા. બપોરે જ્યારે તેઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર ઊભા હતા, ત્યારે કેતન શર્મા નામના એક વ્યક્તિએ તેમની પાસે આવીને જોરજોરથી બૂમો પાડવાનું શરૃ કર્યું હતું. તેણે અધિકારીઓને પૂછયું કે ગાડીઓ આડીઅવળી કેમ ઊભી છે. જ્યારે બાંકેબિહારીએ તેને શાંત રહેવા માટે હાથથી ઈશારો કર્યો હતો ત્યારે તે વ્યક્તિ માન્યો નહિ. ત્યારબાદ, ગુ્રપ કેપ્ટન પુનિત ચઠ્ઠા અને વિંગ કમાન્ડર શિવરાજસિંહ પણ ત્યાં આવ્યા અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સતત ગાળો બોલતો રહ્યો હતો. તેણે એરફોર્સ અધિકારીઓને તેમનો યુનિફોર્મ જોઈને પણ અપમાનિત કર્યા અને કહ્યું કે આવા યુનિફોર્મવાળાને તો હું પગ નીચે રાખું છું. તેણે અધિકારીઓ પાસેથી તેમનું ઓળખકાર્ડ માંગ્યું હતું અને તેણે તેનું નામ પૂછવા પર કહ્યું કે મારું નામ ગૂગલથી પૂછી લેજો. જતા પહેલા, તેણે પોતાનું નામ કેતન શર્મા જણાવ્યું હતું અને ધમકી આપી કે જો તેઓ વધુ બોલશે તો તે તેમને જાનથી મારી નાખશે. તેણે એવું પણ જણાવ્યું કે તેના નામથી પોલીસ સ્ટેશનમાં ઘણી અરજીઓ આપેલી છે.

 જેથી હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા કેતન શર્મા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.