વડોદરા,સાવલીના ટુંડાવ ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો આક્ષેપ કરી સરકારી અધિકારીઓ સાથે મળીને કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ૧૫ લાખની માંગણી કરનાર આરોપીઓ સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાવલીના ટુંડાવ ખાતે આવેલી ઇન્ડો એમાઇન્સ લિ. કંપનીના ડાયરેક્ટર સાજી જોશે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીના મૂળ માલિક મુંબઇના વિજય પાલકર છે. ગત ૨૨ મી ઓક્ટોબરે ટુંડાવ ખાતે રહેતા જીતસિંહ રાણા તથા સુનિલ મહિડા અમારી કંપનીમાં આવ્યા હતા. તેઓ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા સ્ટેટ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું વિઝિટિંગ કાર્ડ આપીને ગયા હતા. જેની ઓફિસ વડોદરા કોર્ટ પાસે એલીસીટી સેન્ટર ખાતે હોવાનો ઉલ્લેખ હતો. સાંજે જીતસિંહ રાણાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે,ગામના લોકોએ કંપની વિરૃદ્ધ પોલ્યુશનની ફરિયાદ કરી છે. જે માણસ તમારી કંપની પર આવ્યો હતો.તેની સાથે વાત નહી ંકરો તો કંપનીને નુકસાન થશે. ગામના બે હજાર માણસોના સ્વાસ્થ્યને ખતરો છે.
ત્યારબાદ કંપનીના જનરલ મેનેજર સુધાકર પાટિલ આવતા જીતસિંહ રાણાએ એફોટેલ હોટલમાં ૩૦ મી ઓક્ટોબરે મિટિંગ કરવાનું કહેતા હું, જનરલ મેનેજર તથા કંપનીના પી.આર.ઓ. ત્રણેય જણા ગયા હતા. મિટિંગ દરમિયાન ધમકી આપી હતી કે, તમારે ૧૫ લાખ આપવા પડશે. નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપનીને બંધ કરાવી દેશે. સુધાકર પાટિલે કંપનીના જોઇન્ટ એમ.ડી. રાહુલ પાલકર વિદેશ હોઇ સુનિલ મહિડાએ દિલ્હી ખાતે કોઇ સરકારી અધિકારી સાથે વાત કરી ત્રણ દિવસની મુદ્દત માગી હતી. ત્યારબાદ અમે હોટલમાંથી નીકળી ગયા હતા.


