Gujarat

ગૌશાળામાં બે-મોત મરતા ગૌવંશને ઉગારવા બેમુદ્તી ઉપવાસની ચીમકી

By GS TEAM
24 Jun 20252 mins read
ગૌશાળામાં બે-મોત મરતા ગૌવંશને ઉગારવા બેમુદ્તી ઉપવાસની ચીમકી

પોરબંદરના કમિશનર સામે ગૌહત્યાનો ગુનો નોંધવા માગણી

પશુઓ માટેની ગ્રાન્ટના વપરાશ અંગે સવાલ ઉઠાવીને ઓડદર ગૌશાળાના બૂરા હાલ મુદ્ે જીવદયાપ્રેમીઓનું આખરીનામું

પોરબંદર: પોરબંદર નજીકના ઓડદર ગામે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓ મૃત્યુ પામી રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર સહિત વહીવટદાર સામે ગૌહત્યાનો ગુનો નોંધવા માગણી થઈ છે, તો જીવદયાપ્રેમીઓને આ પ્રશ્ને જો કોઈ વ્યવસ્થા ન થાય તો બુધવારથી મનપા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પોરબંદરમાં શહેરમાંથી રખડતા ઢોર પકડીને ઓડદર ગૌશાળામાં મૂકવામાં આવે છે, જ્યાં પીવાનું પાણી, ઘાસચારાની તથા સાફ-સફાઈ કે તબીબી સુવિધાના અભાવે ઘુંટણસમા કાદવમાં નંદીઓ એકબીજા સાથે લડતા-લડતા તડકા અને ભારે વરસાદમાં મૃત્યુ પામે છે. જીવદયાપ્રેમીઓએ અસંખ્ય વખત રૂબરૂ રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તેઓએ ૨૫ જૂન સુધીમાં  પશુઓ માટે કોઈ વ્યવસ્થા ન થાય તો મનપા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે.

મિશન માતૃભૂમિની ટીમે કેન્દ્ર સરકારમાં ફરિયાદ કરી મ્યુનિસિપલ કમિશનર અને વહીવટદાર સામે ગૌહત્યાનાં ગુનો નોંધવા માગણી ઉઠાવી છે ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પશુધનની જાળવણી માટે આપેલી ગ્રાન્ટનાં પણ કઈ રીતે ઉપયોગ થયો તે વિશે તટસ્થ તપાસની માગણી કરી છે.

જીવદયાપ્રેમીઓને ગૌશાળામાં જોવા મળેલી ગૌવંશની હાલત

* નંદીઓ અને પશુધન ગોઠણસમા કિચડમાં રહેવા મજબૂર * ૧૦૦ પશુધન માટેનાં છાપરાંમાં ૬૦૦થી ૭૦૦ પશુઓ હોવાથી મોટાભાગના પશુઓ વરસાદમાં ભીંજાય છે * ૬૦૦-૭૦૦ ગાયો માટે પાણીની ફક્ત ૩ જ ટાંકી, એમાં પણ બે તો લીકેજ  * માત્ર ૩૦૦ મણ જ ઘાસચારો * સાફ સફાઈના અભાવે ૫૦ ટકા ઘાસચારો તો છાણમાં જ વેડફાઈ જાય. * આટલી વિશાળ સંખ્યામાં પશુધનની સંભાળ માટે માત્ર બે જ વ્યક્તિ. * એમ્બ્યુલન્સ અને તબીબી સુવિધાનો અભાવ * તંત્ર દ્વારા નંદીઓનું કોઈ રજિસ્ટર જ નહીં * પ્રાથમિક સુવિધાઓના અભાવે દરરોજ ૩-૪ નંદી બીમાર પડી મૃત્યુને ભેટે. * છ-છ મહિનાઓ સુધી સાફ-સફાઈ થતી જ નથી. * બાળદો લડતા-લડતા મૃત્યુ પામે તેવી સ્થિતિ.