Gujarat

પાલિતાણામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી

By GS TEAM
8 Nov 20251 min read
પાલિતાણામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી

- 350 થી વધુ ફરિયાદ છતાં તંત્રનું ભેદી મૌન, લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર

- ખારો નદી ભરેલી હોવાથી ગટરનું પાણી પાછું મારી લોકોના ઘર સુધી પહોંચ્યું

પાલિતાણા : પાલિતાણા શહેરમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન ગંભીર બન્યો હોવા છતાં તંત્ર ભેદી મૌન સેવીને બેઠું હોય, લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે.

પાલિતાણા નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં ગટર વ્યવસ્થાનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. તાજેતરમાં વરસેલા માવઠાંના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરાઈ રહી છે. ખારો નદી ભરેલી હોવાથી ગટરનું ગંદું પાણી પાછું મારી લોકોના ઘર સુધી પહોંચ્યું છે. નગરપાલિકામાં ગટર ઉભરાવાની ૩૫૦થી વધુ ફરિયાદો આવી છે. તેમ છતાં નક્કર પગલા લેવામાં આવી રહ્યા નથી. જેના કારણે બાળકો, મહિલાઓ, વૃદ્ધોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઉભું થયું છે. આ બાબતે ન.પા.ના વિપક્ષના નેતાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ગટર ઉભરાવાની સમસ્યાનું સાત દિવસમાં નિરાકરણ નહીં લવાઈ તો સ્થાનિકોને સાથે રાખી આવનાર દિવસોમાં ઉપવાસ આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારી હતી.