Get The App

નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
નાના કેરાળામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ પર ડમ્પર ચડાવી દેવાની ધમકી 1 - image

- સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા

- તંત્રની ટીમ સાથે રકઝક કરી ફરજમાં રૂકાવટ ઊભી કરતા નાના કેરાળાના સહિત બે શખ્સ સામે ગુનો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા માઈન સુપરવાઈઝર વિનયભાઈ ડોડિયા અને કચેરીના ડ્રાઈવર, બે સિક્યુરિટી ગાર્ડ સહિતનાઓ સરકારી ગાડીમાં વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામની સીમમાં ગેરકાયદેસર રેતી ચોરીના ખનન અંગે ચેકિંગ અને રેઈડ કરી હતી. 

તંત્રની ટીમને જોઈ ગેરકાયદે ખનન વહન કરતા વાહન ચાલકોમાં નાસી છૂટવા લાગ્યા હતા. તંત્રની ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કરતા ડમ્પર ચાલકે વાહન ઉભું રાખ્યું હતું પરંતુ લોડર ચાલક લીંબડી હાઈવે તરફ ભાગવા જતા ટીમે સરકારી ગાડીમાં પીછો કર્યો હતો અને લોડરને ઝડપી પાડી ડમ્પર પાસે લાવી રહ્યા હતા તે દરમિયાન ફરી નાશી છૂટવાનો પ્રયાસ કર્યો હતો અને પકડી લેતા પોતાનું નામ વાલાભાઈ હોવાનું અને ડમ્પર તેમજ લોડર પોતાની માલીકીના હોવાનું જણાવ્યું હતુ. જ્યારે વાલાભાઈ અને અન્ય એક શખ્સે ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ સહીતનાઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી તેમજ માઈન સુપરવાઈઝર પર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપી પણ આપી હતી. આથી વિનયભાઈ ડોડિયાએ સ્થળ પરથી પોલીસને ટેલિફોનીક જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વિનયભાઈ ડોડિયાએ વઢવાણ પોલીસ મથકે વાલાભાઈ (રહે. નાના કેરાળા) અને એક અજાણ્યા શખ્સ સામે ફરજમાં રૂકાવટ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.