રેશનિંગના દુકાનદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિતરણ બંધની ચિમકી
પડતર પ્રશ્નો મામલે દુકાનદારોએ કલેક્ટરને આવેદન આપ્યું
નિયમિત કમિશન, સમયસર અને એક સાથે અનાજનો પુરતો જથ્થો આપવો, સર્વરમાં ટેકનીકલ ક્ષતિઓ અંગે રજૂઆત
સુરેન્દ્રનગર- સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન(રેશનિંગ દુકાનદારો) દ્વારા કલેકટરને વિવિધ પડતર માંગો અંગે લેખિતમાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી અને તમામ માંગોનો ઉકેલ નહીં આવે તો ચાલુ જુલાઈ મહિનામાં અનાજ વિતરણનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
સરકાર દ્વારા દુકાનદારો પાસેથી એડવાન્સ પેમેન્ટ લેવામાં આવે પરંતુ કમિશન અનિયમીત ચુકવવામાં આવી રહ્યું છે જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેથી કમિશનની પ્રક્રિયા જાહેર કરવામાં આવે, પીડીએસ સીસ્ટમ દ્વારા લોકોને નિયમીત સમયે અનાજનો જથ્થો મળી રહે તે અનિવાર્ય છે પરંતુ રેશનિંગ દુકાનદારો સુધી યોગ્ય સમયે અનાજનો જથ્થો પહોંચતો નથી જેના કારણે ગેરવ્યવસ્થા ઉભી થાય છે અને દુકાનદારોને રેશનકાર્ડ ધારકો સાથે વિતરણ બાબતે રકઝક પણ થાય છે.
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે પરંતુ જિલ્લાના તમામ ગોડાઉનમાં ફાળવવામાં આવલા તમામ જણશી ઉપલબ્ધ હોતી નથી આથી રાશનીંગ દુકાનદારોને પુરતો અને એકસાથે અનાજનો જથ્થો મળતો નથી. આ ઉપરાંત વિતરણ સમયે જ સર્વર ડાઉન અથવા સ્લો સર્વર કે સાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય છે જેના કારણે અનેક કાર્ડ ધારકોને રજળપાટ કરવાનો વારો આવી રહ્યો છે. આથી ટેકનીકલ ક્ષતીઓ ન થાય તે માટે જરૃરી પગલા લેવા બાબતો અંગે દુકાનદારો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ તમામ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ચાલુ જુલાઈ મહિનાથી અનાજ વિતરણનો સંપૂર્ણ બહિષ્કાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની પણ ચિમકી ઉચ્ચારી છે.