સરગાસણમાં મહિલાના ગાળામાંથી રૃપિયા બે લાખના દોરાની તફડંચી
ગાંધીનગરમાં ચેઇન સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ
મોપેડ ઉપર આવેલા ચેઇન સ્નેચરે લોટ લઈને ઘરે જતી મહિલાને
નિશાન બનાવી
ગાંધીનગર : પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે છેલ્લા થોડા દિવસોથી ચેઇન સ્નેચરો પણ ગાંધીનગરમાં જાણે પેંધા પડયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે શહેર નજીક આવેલા સરગાસણની ટીપી ૯ વિસ્તારમાં વધુ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થવા પામી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં ટીપી ૯ ખાતે પ્રમુખનગર ફ્લેટમાં રહેતા શોભનાબેન જગદીશભાઈ પટેલ ગત શનિવારે સાંજના સમયે તેમનું ઈલેક્ટ્રીક મોપેડ લઈને રોયલ સર્કલ પાસે લોટ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન સેંટ્રોઈડ વિન્ટેઝ ફ્લેટની સામેના રોડ પર પહોંચતા જ એક અજાણ્યો મોપેડ સવાર શખ્સ તેમની નજીક આવ્યો હતો અને તેમના ગળામાં પહેરેલો બે લાખ રૃપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને સુર્યા સર્કલ તરફ ભાગી ગયો હતો. જોકે શોભનાબેન ગભરાઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરી હતી પરંતુ આ ચેઇન સ્નેચર હાથમાં આવ્યો ન હતો જેથી આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઇન સ્નેચરને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.