Gujarat

ગળતી, મહી નદીના સંગમ સ્થાનમાં હજારો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી

By GS TEAM
27 Oct 20251 min read
ગળતી, મહી નદીના સંગમ સ્થાનમાં હજારો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી

- દિવાળી પર્વના 10 દિવસમાં પર્યટકોનો ભારે ધસારો

- લાભ પાંચમના દિને વરસાદી માહોલ હોવા છતાં લોકોએ નદીના પાણીમાં નાહવાની મજા માણી

ઠાસરા : પ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થલ ગળતેશ્વર મહાદેવ ખાતે દિવાળીના પર્વ દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર પાસે ગલતી અને મહીસાગર નદીના સંગમ સ્થાનમાં હજારો યાત્રિકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી.

ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી ગળતી અને મહી નદીનું સંગમ સ્થાન હોવાથી લોકોની શ્રદ્ધા હજૂ અહી અકબંધ છે. 

તહેવારોમાં કે રજાઓમાં તમામ ધર્મના લોકો આ સ્થળને પર્યટન સ્થળ માટે પસંદ કરી ગળતેશ્વરની મહી નદીમાં નહાવા મોટી સંખ્યામાં ઉમટે છે. દિવાળી, નવા વર્ષ અને લાભ પાંચમના દિવસે વહેલી સવારથી નદીમાં નહાવાનો લ્હાવો લેવા નાત- જાતના ભેદભાવ વગર માનવ મહેરામણ ઉમટયો હતો.

 મહી અને ગળતી નદીમાં હાલ પાણીનો પ્રવાહ વધુ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર, સરનાલ ગામના સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. ઉપરાંત ગળતેશ્વર મહાદેવ તરફનો રસ્તો પાવાગઢ જવા માટે ટૂંકો છે.

 ત્યારે યાત્રિકો ગળતેશ્વર મહાદેવના દર્શન કરી પાવાગઢ તરફ જવા રહવાના થયા હતા. 

લાભ પાંચમના દિવસે વરસાદી વાતાવરણમાં પણ પર્યટકોએ નદીમાં નાહવાની મજા માણી હતી.