Get The App

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ 1 - image

- લીંબડીમાં સરકારી હોસ્પિટલ પાસે 

- ભર શિયાળે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહી છે છતાં તંત્રની સંવેદના જાગતી નથી

લીંબડી : લીંબડી શહેરમાં 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ સર્જાઈ છે. જુના બરફના કારખાના પાસે મહિનાથી લાઈન લીકેજ હોવા છતાં તેનું નિરાકરણ આવ્યું નથી, ત્યા આર.આર. હોસ્પિટલ પાસે મેઈન લાઈન ફાટતા પાણીની નદીઓ વહી હતી, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા રિપેરિંગની કોઈ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી નથી. 

લીંબડી શહેરમાં છેલ્લા એક માસથી પીવાના પાણીની મેઈન લાઈનોમાં ઠેર-ઠેર ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. શહેરમાં ભરશિયાળે લોકોને ૧૦-૧૦ દિવસે પાણી મળી રહ્યું છે, અને જે પાણી વિતરણ થાય છે તે પણ ડહોળું અને દૂષિત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વારંવારની રજૂઆતો છતાં તંત્રની સુસ્તીને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પાણીની પાઈપલાઈન નાખતી વખતે અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આ કારણોસર લાઈનો વારંવાર ફાટી રહી છે. એક તરફ પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે અને બીજી તરફ તંત્ર મૌન રહી તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરીજનોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણીની સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.