Gujarat

જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં સળિયા ઓછા નાંખનારા ધારપુરે એન્જિનિયરીંગને રુપિયા ૧૮૧ કરોડનુ કામ આપવા ઉપર બ્રેક લાગી

By GS TEAM
25 Jun 20252 mins read
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં સળિયા ઓછા નાંખનારા ધારપુરે એન્જિનિયરીંગને રુપિયા ૧૮૧ કરોડનુ કામ આપવા ઉપર બ્રેક લાગી

અમદાવાદ,બુધવાર,25 જુન,2025

જાસપુરમાં  વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાંઓેછા સળિયા નાંખી ગેરરીતિ આચરી હતી. એજ કોન્ટ્રાકટર ધારપુરે એન્જિનિયરીંગ  એન્ડ કન્સ્ટ્રકશનને ફતેવાડી ખાતે  રુપિયા ૧૮૧.૪૫ કરોડના ખર્ચથી ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન અને દૈનિક ૧૫૦ લાખ લિટર ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા આપવાની કામ આપવાની દરખાસ્ત ઉપર પાણી સમિતિએ બ્રેક લગાવી છે.આ અગાઉ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીમાં આ કોન્ટ્રાકટરે સળીયા ઓછા નાંખી ગેરરીતિ આચરતા વર્તમાન ડેપ્યુટી મેયરે તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરને પુરાવા આપતા તે સમયે કોન્ટ્રાકટરને નોટિસ આપી રૃપિયા દસ લાખનો દંડ કરાયો હતો.

પાણી સમિતિ સમક્ષ સરખેજ વોર્ડમાં આવેલ ફતેવાડી ખાતે કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અને સ્ટેટ વોટર એકશન પ્લાન -૩ અંતર્ગત ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન તથા ૧૫૦ લાખ  લિટર દૈનિક ક્ષમતા ધરાવતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી તેના દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે આપવા કોન્ટ્રાકટર ધારપુરે એન્જિનિયરીંગ દ્વારા ૪૦ હજાર ચોરસમીટર જગ્યામાં ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન તથા ૧૫૦ એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તૈયારી દર્શાવી હતી.આમ છતાં છેલ્લી ઘડીએ આ દરખાસ્ત ઉપર નિર્ણય લેવાનુ ટાળી દેવાયુ હતુ.કમિટી ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ, જાસપુર ખાતે રૃપિયા ૨૫૦ કરોડના ખર્ચે આ કોન્ટ્રાકટરને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી અગાઉ આપેલી છે. એ કામગીરી તે કેટલા સમયમાં પુરી કરશે  એ અંગે વિગત મંગાવાઈ છે. ઉપરાંત આ કામ આપવામા આવે તો તે બંને કામ સરળતાથી કરી શકશે કે કેમ તેની પણ ચકાસણી કરી પછી જ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.