Get The App

અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કવાયત શરુ કરાઈ

પાલતુ કૂતરાં માટે રુપિયા વીસ થી પચાસ હજારની પેનલ્ટી કરવા એસ.ઓ.પી.ને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી મેળવાશે

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન નહી કરાવનારા પાલતુ કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કવાયત શરુ કરાઈ 1 - image

અમદાવાદ,બુધવાર,21 જાન્યુ,2026

અમદાવાદમાં રખડતા કૂતરાંની સાથે પાલતુ કૂતરાંને લઈને ફરિયાદો વધી રહી છે. આ પરિસ્થિતિમાં પાલતુ કૂતરાં રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન નહીં કરાવનારા માલિકોને પાલતુ કૂતરુ પકડાય તેવા કિસ્સામા પ્રથમ વખત રુપિયા વીસ હજાર, બીજી વખત પકડાય તો રુપિયા પચાસ હજાર સુધીની પેનલ્ટી કરવા એક સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બનાવી સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મેળવાશે.પાલતુ કૂતરાંના રજિસ્ટ્રેશનથી લઈ અન્ય બાબતોનુ યોગ્ય પાલન નહી કરનારા કૂતરાંના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કવાયત શરુ કરવામા આવી છે.

એક અંદાજ મુજબ શહેરમાં પચાસ હજાર જેટલા પાલતુ કૂતરાં તેના માલિકો દ્વારા રાખવામા આવી રહયા છે.જાન્યુઆરી-૨૫થી કોર્પોરેશન તરફથી પાલતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવામા આવ્યુ છે. પ્રતિ પાલતુ કૂતરાં દીઠ રજિસ્ટ્રેશન ફીમાં પણ વધારો કરી રુપિયા બે હજાર કરવામા આવી છે. આમ છતાં અત્યારસુધીમાં ૧૯ હજારથી વધુ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન તેના માલિકો દ્વારા કરાવવામા આવ્યુ ચે.બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામા મળેલી વીકલી રિવ્યુ બેઠકમાં તેમણે એસ.ઓ.પી.બનાવવા સુચના આપી હતી.શહેરના વિવિધ વિસ્તારમાં રોડની કામગીરી ધીમી ગતિથી ચાલી રહી છે.આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનરે જે કોન્ટ્રાકટર વર્ક ઓર્ડર  અપાયા પછી ધીમી ગતિથી રોડની કામગીરી કરતા હોય તેવા કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરો.થોડા સમય પહેલા મ્યુનિ. કમિશનર અચેર ગયા હતા.જયાં તેમણે રખડતી ગાય જોવા મળતા તેમણે ફરિયાદ કરી હતી.એક સપ્તાહમાં કમિશનરે અચેર વિસ્તારમા એક પણ રખડતુ પશુ જોવા ના મળે એ પ્રકારની કામગીરી કરાવવા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હતી.શહેરમાં ફાયર એન.ઓ.સી. અંગે શુ સ્થિતિ છે તે અંગે તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનરને પુછતાં તેમણે નવી ૪૧૧ અરજી આવી એવો જવાબ આપતા કમિશનર અકળાયા હતા. ડેપ્યુટી કમિશનર અને ચીફ ફાયર ઓફિસરને તેમના વિભાગની કોઈ  માહિતી જ નથી એવી ટકોર પણ કરી હતી.

પાણીપુરીના પાણીમાંથી ટાઈફી બેકટેરીયા મળ્યો

અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી હેલ્થ વિભાગે પાણીપુરીની ૨૭૦ લારી-ખુમચા સામે કાર્યવાહી કરી પાણીપુરીના પાણી,રગડા ઉપરાંત ગ્રીન ચટણી વગેરેના સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા. પાણીપુરીના પાણીમાંથી ટાઈફી નામનો બેકટેરીયા મળ્યો હતો.જે ટાઈફોઈડ માટે જવાબદાર ગણાય છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર શહેરમાં પાણીપુરીની લારીઓ,ખુમચા સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી. ઉપરાંત ખાનગી બોરમાંથી લેવામા આવેલ પાણીનુ સેમ્પલ જો અનફીટ આવે તો તેવા કિસ્સામાં ખાનગી બોર સીલ કરવા સુચના આપી હતી.