240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે-ભાજપના કોર્પોરેટરની પોસ્ટ!
સૈન્ય કાર્યવાહીમાં ભાજપના નેતાના રાજકારણથી વિવાદ વંટોળ : રાજકોટના કોર્પોરેટરે ખેદ વ્યક્ત કરી પોસ્ટ ડીલીટ કર્યાનું કહી ભાજપે ભીનુ સંકેલ્યું : કોંગ્રેસે કડક પગલાંની માંગ કરીં
રાજકોટ, : રાજકોટમાં વોર્ડ નં. 10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશ્યલ મિડીયામાં 240 સીટમાં આટલું જ યુધ્ધ જોવા મળે અને આખુ જોવુ હોય તો 400 સીટ આપવી પડે તેવી બેજવાબદાર બાલીશ વાતને શૅર કરતા ભારે વિવાદ વંટોળ જાગ્યો હતો જે અન્વયે ભાજપે કોર્પોેરેટરે ખેદ વ્યક્ત કર્યો છે અને પોસ્ટ ડીલીટ કરી દીધી છે તેમ કહીને કોઈ પગલા નહીં લેવાયાનું બહાર આવ્યું છે.
આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર સૈન્ય કાર્યવાહીને રાજકારણના ચશ્મા પહેરીને જુએ છે. ઈ.સ. 1971માં ઈન્દિરા ગાંધીની સરકાર હતી અને પાકિસ્તાન સામેના યુધ્ધમાં ભારતનો જ્વલંત વિજય થયો અને પાકિસ્તાનના બે ટૂકડા થયા ત્યારે કોંગ્રેસે આવી કોઈ વાત કરી ન્હોતી. વળી, હાલની સ્થિતિમાં કોંગ્રેસે ભાજપને દેશહિતમાં પૂરૂ સમર્થન કર્યું હતું તે સર્વવિદિત છે છતાં ભાજપના બેજવાબદાર કોર્પોરેટર આવી બાલીશ પોસ્ટ વાયરલ કરે તે અત્યંત ગંભીર બાબત છે છતાં ભાજપ દ્વારા તેની સામે કોઈ પગલા લેવાયા નથી કે તેનું સોશ્યલ મિડીયા એકાઉન્ટ બ્લોક કરાયું નથી. તેમણે કોર્પોરેટરને સસ્પેન્ડ કરીને કડક પગલા લેવા માંગ કરી છે.
જ્યારે શહેર ભાજપના પ્રમુખે જણાવ્યું કે કોર્પોરેટર ચેતન સુરેજાને તેના કોઈ સંબંધીએ આવી પોસ્ટ મોકલી હતી તે તેણે શૅર કરી છે જે તેણે કરવું જોઈતું ન્હોતું. આ અંગે અમે પ્રદેશનું ધ્યાન દોર્યું છે અને કોર્પોરેટરે પોતે ખેદ વ્યક્ત કર્યો છે અને આ પોસ્ટને ડીલીટ કરી દીધી છે.