Gujarat

આ ઇન્ડિયા છે, તમે અહીં જાહેરમાં કિસ કે ચેનચાળા ન જ કરી શકો

By GS TEAM
6 Aug 20252 mins read
આ ઇન્ડિયા છે, તમે અહીં જાહેરમાં કિસ કે ચેનચાળા ન જ કરી શકો

આફ્રિકાના 300 છાત્રોને પોલીસે 'સભ્યતા'ના પાઠ ભણાવ્યા જાહેરમાં ચેનચાળા, પ્રોહીબીશન, એનડીપીએસ અને ઇમ્મોરલ ટ્રાફિકના કાયદા અંગે પોલીસે સમજ આપી

રાજકોટ, : રાજકોટ નજીકની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં આફ્રિકાના છાત્રો સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચલાવતા હોવાનો રતનપરના ગ્રામજનોએ આક્ષેપ કરી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી, જેને કારણે હોબાળો મચી ગયો હતો. બરાબર તે જ વખતે આફ્રિકાના છાત્ર અને છાત્રાનો કથિત બિભત્સ ચેનચાળા કરતો વીડિયો વાયરલ થયો હતો, જેને કારણે રતનપરના ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો.  જેને ધ્યાને લઇ ગઇકાલે પોલીસે મારવાડી કોલેજમાં જઇ ૩૦૦ આફ્રિકાના છાત્ર-છાત્રાઓને સભ્યતાના પાઠ ભણાવ્યા હતાં. આફ્રિકાના છાત્રોને કહ્યું કે વિદેશમાં કદાચ જાહેરમાં કિસ કરવી ગુનો નથી, પરંતુ આ ભારત છે, અહીં જાહેરમાં કિસિંગ અને ચેનચાળા સહિતના કૃત્યો કરી શકાતા નથી, જેનું તમારે ધ્યાન રાખવું પડશે.  આ રીતે આફ્રિકાના છાત્રોને જાહેરમાં ચેનચાળા કરવા અંગેના કાયદાની સમજ આપી હતી. એટલું જ નહીં પ્રોહીબીશન, એનડીપીએસ અને ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેનશન એક્ટના કાયદા વિશે પણ માહિતી આપી હતી. 

રતનપર સહિતના ગામમાં એક જ મકાનમાં આફ્રિકાના પાંચથી છ છાત્રો રહેતા હોય છે, જેમાંથી માત્ર એક છાત્ર જ રેન્ટ એગ્રીમેન્ટ કરાવતો હોય છે. પોલીસે હવે પછી તમામ છાત્રોના નામ રેન્ટ એગ્રીમેન્ટમાં લખવા માટે કહ્યું હતું.  પોલીસે આફ્રિકાના છાત્રોને પણ તેમને કોઇ ફરિયાદ કે તકલીફ હોય તો તે વિશે જાણ કરવા કહ્યું હતું. જેમાં આફ્રિકાના છાત્રોએ રતનપરના ગ્રામજનો પોતાને શંકાની નજરે જોતા હોવાની ફરિયાદ કરી હતી.