Gujarat

લ્યો બોલો! સુરતના ગૌરવ પથ પર વરસાદી પાણીના ભરાવાનું આ પણ એક કારણ

By GS TEAM
7 Jul 20252 mins read
TukuTouch Logo
એક દિવસમાં માટીનો નિકાલ ન કરે તો ગુનાહિત બેદરકારી માટે કાયદેસર ફોજદારી કરવા નોટિસ આપી

Summarized by AI; it may make mistakes. Check important info

લ્યો બોલો! સુરતના ગૌરવ પથ પર વરસાદી પાણીના ભરાવાનું આ પણ એક કારણ

Surat : સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં સંગ્રહ કરેલી માટે વરસાદમાં તણાઈને ડ્રેનેજમાં પહોંચી ચોક અપ થતાં આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ અંગે પાલિકાને જાણ થતાં પાલિકાએ એક દિવસની નોટિસ આપી છે જો એક દિવસમાં માટીનો નિકાલ ન કરવામાં આવે તો  ગુનાહિત બેદરકારી માટે કાયદેસર ફોજદારી કરવા ચીમકી આપી છે. 

સામાન્ય વરસાદમાં પણ સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ-પાલનપોર ગૌરવ પથ પર અનેક વખત પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. આ વિસ્તારમાં પાલિકાની નબળી કામગીરી ઉપરાંત અન્ય કારણો પણ બહાર આવ્યા છે. આજે પડેલા વરસાદમાં ટી.પી. સ્કીમ નંબર-9 (પાલનપોર-ભેંસાણ) ફાઈનલ પ્લોટ નંબર-170માં આવેલા ખુલ્લા ઓપન પ્લોટવાળી જગ્યામાં મોટા જથ્થામાં માટીનો સ્ટોક કર્યો હતો. છેલ્લા 15 દિવસમાં અનેકવાર ભારે વરસાદને કારણે માટીનો સ્ટોક ભીનો થયો હતો અને અહીં કમ્પાઉન્ડ વોલ બનાવી ન હોય 6 જુલાઇના રવિવારે વિસ્તારમાં 18 મિટર પહોળીના ટીપી રસ્તા પર નાખવામાં આવેલા ડ્રેનેજ-સ્ટ્રોમ ડ્રેનેજની લાઈનમાં નેટવર્ક ચોકઅપ થઈ ગયું હતું. 

આ માટીના કારણે ડ્રેનેજ નેટવર્ક ચોક અપ થતાં આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ પાણીના ભરાવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્લોટ માલિકે પ્લોટમાં માટીનો સંગ્રહ કર્યો હતો પરંતુ કમ્પાઉન્ડ વોલ બનાવી ન હોવાથી વરસાદમાં માટી વહી ગઈ હતી તેના કારણે ડ્રેનેજ ચોક અપ થવા ઉપરાંત રસ્તા પર પણ માટી હોવાથી રસ્તો ચીકણો થયો હતો. મિલ્કતદારની આવી બેદરકારીના કારણે લોકોને હેરાનગતિ થઈ હોવા સાથે પાણીનો ભરાવો થતાં પાલિકા તંત્રએ મિલ્કતદારને નોટિસ આપી છે. નોટિસમાં જણાવ્યું છે કે, એક દિવસમાં માટીના જથ્થાનો યોગ્ય નિકાલ અથવા તો વ્યવસ્થા કરવા, તેમજ આ માટી રસ્તા પર ફેલાઈને ફરીવાર હયાત ડ્રેનેજ-સ્ટ્રોમ ડ્રેનેજમાં ન આવે તેની તકેદારી રાખવા આદેશ કર્યો હતો. જો એક દિવસમાં તેમ ન કરવામાં આવે તો ગુનાહિત બેદરકારી બદલ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.