જામનગરના એન.આર.આઈ.ની કરોડોની જમીનના પ્રકરણમાં ત્રીજા મુખ્ય આરોપી મુંબઈના શખ્સની ધરપકડ

જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ કરતાં આરોપીને 10 દિવસના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ થયો છે.
પોલીસ દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરનારા અન્ય લોકો, મોટી નાણાકીય લેવડ-દેવડ કેવી રીતે થઈ, તેની તપાસ શરુ કરવામાં આવતાં અન્ય શખસોના નામો પણ આ પ્રકરણમાં ખુલ્યા છે. અને પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધારની અટકાયત કરી છે.
લંડન રહેતા અમિત દામજીભાઈ શાહ નામના વેપારીની ખાવડી નજીક આવેલી કરોડોની 10 વીઘા જેટલી જમીનના ખોટા દસ્તાવેજો થઈ રહ્યા હોવાનું વેપારીને જાણમાં આવતાં લંડનથી આવીને વેપારીએ તા. 10/10/25ના રોજ સિક્કા પોલીસ મથકમાં જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી, નવીન રામજીભાઈ ગૌરી, યોગેશ કેશવજી શાહ (રહે. મુલુન્ડ અને ભીવંડીમાં અક્ષય પાર્ક) તથા અમીત દામજી શાહ તરીકે ખોટું નામ ધારણ કરનારા વ્યક્તિ સામે કાવતરું રચીને કાયદાના નિષ્ણાંતોની મદદ લઈને પોતાની કિંમતી જમીન હડપ કરી જવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ સિક્કા પોલીસે જામનગરના બે આરોપીઓ ભગવાનજી ગોરી અને નવીન ગોરીની ધરપકડ કરતાં બંને જેલ હવાલે થયા હતા. જેમાંથી ભગવાનજી ગૌરીએ મુકેલી જામીન અરજી ગત તા.18મીએ કોર્ટે રદ કરી હતી. આ દરમિયાન સિક્કા પોલીસે મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના એક આરોપી રજનીકાંત હરિયાની ધરપકડ કરીને રીમાન્ડની માંગણી સાથે તેને જજ સમક્ષ રજૂ કરતાં અદાલતે તેને તા. 28 ઓક્ટોબર સુધીના રિમાન્ડ ઉપર લેવા મંજુરી આપી છે.

