જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના પાર્કિગમાંથી બાઈક ચોરી કરનાર તસ્કર બેલડી એલસીબીના હાથે ઝડપાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Theft Case : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કેમ્પસના પાર્કિંગમાંથી સોમવારે એક મોટરસાઈકલની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી, જે ચોરીમાં સંડોવાયેલી તસ્કર બેલડીને એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરના ભોઈવાડા વિસ્તારમાં રહેતા પારસભાઈ રમણીકભાઈ ચુડાસમા કે જે પોતાના કામ સબબ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગયા હતા, અને મેડિકલ કોલેજના કેમ્પસના પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું. જયાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉપરોક્ત જી.જે. 10 પી. 8939 નંબરની ચોરાઉ બાઈક સાથે બે શખ્સો અંબર ચોકડી વિસ્તારમાં છે, જેથી અંબર ચોકડી નજીકથી રાકેશ દેવાભાઈ દંતાણીયા અને દેવા બાબુભાઈ મારવાડી નામના બે શખ્સને ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.








