ગીયોડ ગામમાં ડાલુ લઈને આવેલા ચોરો ત્રણ ભેંસ અને પાડી ચોરી ગયા
ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોરોનો વધતો ત્રાસ
વહેલી પરોઢે પોલીસની પીસીઆર વાનને જોઈ તસ્કરો ડાલુ મૂકીને ફરાર થઈ ગયા ઃ ખેડૂતને પશુઓ પરત મળ્યા
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે પશુચોર ટોળકીનો તરખાટ શરૃ થયો છે અને ગઈકાલે રાત્રે ગીયોડ ગામમાં વાડામાં ત્રાટકેલા તસ્કરોએ ત્રણ ભેંસ અને એક પાડીને ચોરી કરી લીધી હતી. જોકે પોલીસની પીસીઆર વાનને જોઈને ડાલુ મૂકી તસ્કરો નાસી છૂટયા હતા. જે સંદર્ભે હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
પાટનગર ગાંધીનગર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં
છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવ વધી રહ્યા છે અને આ ચોરીના ગુનાઓ હજી ઉકેલાઈ
શક્યા નથી ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં પશુ ચોર ટોળકીનો તરખાટ શરૃ થયો છે. ગાંધીનગર
શહેર નજીક આવેલા ગીયોડ ગામમાં એક જ રાતમાં ત્રણ જેટલી ભેંસોની ચોરીની ઘટના
પ્રકાશમાં આવી છે. અહીં રહીને પશુપાલનનો વ્યવસાય કરતા વિષ્ણુજી ચેહરાજી ઠાકોર
દ્વારા ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રિના
સમયે તેઓ આઠ વાગે વાડામાંથી ઘરે ગયા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ વાડામાં
પહોંચ્યા ત્યારે તેમાં રહેલી ત્રણ ભેંસ અને એક પાડી જણાઈ ન હતી . જેથી આસપાસના
વિસ્તારમાં તપાસ કરવા જતા તેનો ક્યાંય જ પતો લાગ્યો ન હતો અને આ સંદર્ભે ચિલોડા
પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકમાં એક ડાલું પડયું
હતું અને તેમાં તેમની ત્રણ ભેંસો અને એક પાડી હતા. જેથી આ સંદર્ભે પોલીસે જણાવ્યું
હતું કે, આજે
વહેલી સવારે ગીયોડ ગામ પાસે પોલીસની પીસીઆર વાન પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન
તેને જોઈને આ ડાલાનો ચાલક તેને મૂકીને નાસી છૂટયો હતો. જેથી હાલ પોલીસ દ્વારા
ચોરીનો ગુનો દાખલ કરીને આ પશુ ચોરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. તો
બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં શરૃ થયેલી આ પ્રકારની ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનો
દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરવામાં આવી છે.