લાલપુરના ખટિયા ગામ અને ગલ્લા ગામમાં બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો : એલસીબીએ એક શકમંદને ઉઠાવ્યો
Jamnagar Theft Case : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામ તેમજ ગલ્લા ગામમાં આવેલા બે મંદિરોમાં ચોરી થઈ હતી, અને માતાજીના છત્તર સહિતના આભૂષણોની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઈ છે. એલસીબીની ટુકડીએ એક શકમંદને ઉઠાવી લીધો છે, અને પૂછપરછ હાથ ધરી છે.
લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા અને મહાદેવના મંદિરમાં સેવા પૂજા કરતા લક્ષ્મણદાસ પ્રભુદાસભાઈ રામાનુજ નામના 65 વર્ષના પુજારીએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે, કે ખટિયા ગામના કોટેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ તસ્કરે પ્રવેશ કરી મહાદેવજીની મૂર્તિ ઉપર ચડાવેલા જર્મન સિલ્વર ધાતુના મોટા છત્તરની ચોરી કરી લઈ ગયા છે. જે ચોરીના મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે.
તે જ રીતે લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા ઋષિરાજસિંહ અજીતસિંહ જાડેજાએ પણ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે, કે ગલ્લા ગામમાં પોતાના ઘરની બાજુમાં આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાંથી કોઈ તસ્કરો ચાર નંગ છત્તરની ચોરી કરી લઈ ગયા છે.
ઉપરોક્ત બંને ફરિયાદના અનુસંધાને જામનગરની એલસીબીની ટુકડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને એક શકમંદને ઉઠાવી લીધો છે. નજીકના ભવિષ્યમાં ઉપરોક્ત બન્ને ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.