જામનગરના ધ્રોલમાં એક વેપારીના મકાનમાંથી તસ્કરો રૂપિયા દોઢ લાખની કિંમતના ઘરેણા ચોરી કરી ગયા

Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોલમાં પોસ્ટ ઓફિસ સામેના વિસ્તારમાં રહેતા અને સીઝન સ્ટોર ચલાવતા આબ્દેઅલી મુસ્તફા કાદિયાણી નામના 27 વર્ષના વેપારીઓના રહેણાક મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લઈ અંદરથી રૂપિયા 1,55,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાનો ડબ્બો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવી છે
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી વેપારી યુવાન કે જે પરમદિને રાત્રે 9.00 વાગ્યે પોતાના મિત્રો સાથે હાઈવે પર ફરવા ગયો હતો, અને મકાનના દરવાજાને માત્ર આગળીઓ માર્યો હતો. જેના માતા-પિતા ઉપરના માળે સુતા હતા. જયારે રાત્રિના એક વાગ્યે પોતે પરત આવીને સૂઈ ગયો હતો.
દરમિયાન સવારે તેના માતાએ ઊઠીને નીચે દાગીનાનો ડબ્બો ચેક કરતાં ચોરી થઈ ગયો હોવાથી રાત્રિના 9.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તાળું માર્યા વગરના ખુલ્લા રહેલા મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી લઈ અંદરથી દાગીનાનો ડબ્બો ચોરી કરી ગયા હોવાનું અનુમાન લગાવાયું છે.
સમગ્ર બનાવ મામલે ધ્રોળ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, અને નજીકના વિસ્તારમાં રહેલા સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

