વડોદરાઃ મકાનનો સામાન શિફ્ટ કરતા હતા ત્યારે જ ચોરો 15 તોલાના દાગીના ચોરી ગયા

વડોદરાઃ શહેરમાં ચોરીના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જે પૈકી એક બનાવમાં તો ચોરો જાણે મકાન પર નજર રાખીને જ બેઠા હોય અને તક મળતાં જ કલાકોમાં હાથફેરો કર્યો હોવાનો બનાવ બન્યો છે.
ગોત્રીની એસટી કોલોની પાછળ શ્રીનાથ કુંજ સોસાયટીમાં રહેતા અને વાહનોની લેવેચ કરતા નિલેશભાઇ જોષીએ પોલીસને કહ્યું છે કે,અમે ઉપરોક્ત મકાનમાં ૧૩ મહિનાથી ભાડે રહેતા હતા.આ મકાન ખાલી કરવાનું હોવાથી ગઇકાલે તેનો સામાન શિફ્ટ કરી નારાયણગાર્ડન પાસેના મકાનમાં લઇ જવાનો હતો.
બપોરે કેટલોક સામાન શિફ્ટ કર્યો હતો અને પાંચેક કલાક બાદ બાકીનો સામાન લેવા પરત ફર્યા ત્યારે અમારા મકાનની તિજોરી ખુલ્લી હતી અને તેનો સામાન પલંગ પર વેરવિખેર હતો.તપાસ કરતાં ચોર બારી વાટે ઉપર જઇ ગ્રીલ કાઢીને નીચે બેડરૃમમાં ઉતર્યો હોવાનું અને રૃ.૫ લાખ ઉપરાંતનું ૧૫ તોલા સોનુ અને રોકડા રૃપિયા ચોરી ગયો હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી ગોત્રી પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં સુભાનપુરાની શ્રધ્ધા સોસાયટીમાં રહેતા અભિષેક બોસમીયાએ કહ્યું હતું કે,અમે તા.૧૪મીએ કાકાને ત્યાં બગસરા ગામે ગયા હતા ત્યારે તા.૧૬મીએ પરિચિતે ફોન કરી ચોરી થયાની જાણ કરી હતી.તપાસ કરતાં ચોરો રૃ.૨ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગયા હોવાનું જણાઇ આવતાં પોલીસને જાણ કરી હતી.









