ગણેશ વિસર્જનની શોભાયાત્રાઓ નિહાળવા ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
Bharuch Theft Case : ગણેશ વિસર્જન દરમ્યાન શોભાયાત્રાઓ નિહાળવા ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.57 લાખની મત્તા ચોરી ફરાર થઈ જતા ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ઓડિશાના વતની અને ભરૂચના જગન્નાથ મંદિરની સામે આવેલ જલારામધામ સોસાયટીમાં રહેતા ગોપાલચંદ્ર રાઉ ખાનગી કંપનીમાં સ્ટોર ઓફિસર તરીકે નોકરી કરે છે. ગઈ તા.6 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાના સુમારે તેઓ પરિવાર સાથે ગણપતિ વિસર્જનની શોભાયાત્રાઓ જોવા માટે ગયા હતા. પરિવાર રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા મકાનના દરવાજાનો નકુચો તૂટેલ જોઈ ચોંકી ઉઠ્યો હતો. અને ઘરમાં સામાન વેર વિખેર નજરે ચડ્યો હતો. તપાસ કરતા બહાર આવ્યું હતું કે, અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી રૂ.1.45 લાખની કિંમતની સોનાની ચેન તથા રોકડા રૂ.12 હજાર ચોરી ફરાર થઈ ગયા હતા. આ દરમ્યાન સોસાયટીમાં જ ગોપાલભાઈના મકાનની સામે રહેતા કાંતિભાઈ શાહુના મકાનને પણ તસ્કરોએ ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.