વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા
Vadodara Theft Case : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સદર બજાર પાસે આવેલી નવયુગ સ્કૂલ નજીક મકાનમાં રહેતો પરિવાર તેમના અન્ય મકાને ઊંઘવા માટે ગયો હતો. ત્યારે મોડી રાત્રિના સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પાછળના દરવાજાથી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરવખરી સહિતનો સામાન વેરવિખેર કરી નાખ્યા બાદ સોના ચાર તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા 17 હજાર સહિતની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સવારે પાડોશી મહિલાએ મકાન માલિકને ચોરી થઈ હોવાની જાણ કરતાં તેઓએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે છ મહિના બાદ ફરી તસ્કર ટોળકી આ વિસ્તારમાં ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલ પાસે રહેતા અમીરુદ્દીન શેખ ટુ વ્હીલરના રિલરિંગનું ગેરેજ ચલાવે છે. તેનાં ઘર પાસે ગેરેજની દુકાન આવેલી છે. દરમિયાન 14 જુલાઈના રોજ તમામ પરિવારના સભ્યો ગેરેજની બાજુના મકાનના દરવાજાને તાળું મારી અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રિના સમયે બાઇક સવાર ત્રિપુટી ચોરી કરવા માટે ત્રાટકી હતી. આમીરુદ્દીન શેખના મકાનની આગળના દરવાજાની જાડી નહીં તૂટતા તસ્કર ટોળકી પાછળના દરવાજાને મારેલું તાળું નાકુજા સાથે તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ તેઓએ ઘર વખરી વેરવેખરી કરી નાખ્યું હતું. ત્યારબાદ તિજોરીમાંથી તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે પાડોશી મહિલા જાગી જતા તેઓએ મકાનમાલિકને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી વિક્રમભાઈ તથા અમીરુદ્દીન શેખે પોતાના ઘરમાં આવીને તપાસ કરતા ચાર તોલા સોનાના દાગીના અને રૂપિયા 17000 રોકડાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી અમીરુદ્દીન શેખ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ આજ બાઇક સવાર ત્રિપુટીએ એક સાથેચાર મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં અમીરુદ્દીન શેખના મકાનનો સમાવેશ થાય છે. પરંતુ જે તે વખતે બે મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ આમીરૂદ્દીન શેખ તથા અન્ય મકાનમાંથી માલમતા હાથમાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે છ મહિના બાદ ફરી આ બાઈક સવાર તસ્કરોએ ફતેગંજ વિસ્તારમાં ચોરી કરવા માટે ત્રાટકતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મોડી રાત્રિના સમયે આ ચોર મકાનોને નિશાન બનાવતા હોય હવે લોકો પોતાનું મકાન બંધ કરીને બહાર જતા પણ ડર અનુભવી રહ્યા છે.