નિવૃત્ત પીએસઆઇના મકાનમાં ચોરો ત્રાટક્યા, ૧.૯૨ લાખની ચોરી
દહેગામમાં આવેલી તિરૃપતિ સોસાયટીમાં
પરિવાર સાથે બહાર ગયા હતા તે દરમિયાન મકાનનું તાળું ચોરીની ઘટના ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે દહેગામમાં આવેલી તિરૃપતિ સોસાયટીમાં નિવૃત્ત પીએસઆઇના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને ૧.૯૨ લાખ રૃપિયાની ચોરીની ઘટના બનવા પામી છે. જે સંદર્ભે હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની સાથે
જિલ્લાના તાલુકા મથકોએ પણ તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. દહેગામ
શહેરમાં આવેલી તિરૃપતિ સોસાયટીમાં નિવૃત્ત પીએસઆઇના ઘરમાં ચોરીની ઘટના બનવા પામી છે.
જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામમાં આવેલી તિરૃપતિ
સોસાયટીમાં રહેતા નિવૃત્ત વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર ઇશ્વરભાઇ દલસુખભાઈ પ્રજાપતિ
ગત શુક્રવારના રોજ તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગામ ગયા હતા. આ દરમિયાન
ગઈકાલે તેમના સગાએ ફોન કરીને મકાનનું તાળું તૂટયું હોવાનું અને ચોરી થયા અંગે જાણ
કરી હતી. જેના પગલે તેઓ તુરંત જ ઘરે આવી ગયા હતા અને જોયું તો તસ્કરોએ નકુચો તેમજ
ઇન્ટરલોક તોડી નાખ્યા હતા અને ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. ઘરમાં તપાસ
કરતા તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૨ લાખ રૃપિયાની ચોરી થવા
પામી હતી. જેથી આ સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી
હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.
ગ્રામ્ય વિસ્તારમાં ફરી શરૃ થયેલી આ ચોરીની ઘટનાઓને પગલે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ
ગયો છે.