ગરમીમાં અગાસી પર સુવા ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તથા અન્ય સામાન મળી રૂ.83 હજારની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કૃષ્ણા નગર-1, શિવ સાગર સોસાયટી પાસે વિશ્વકર્મા મંદિર નજીક રહેતા અને આજવા રોડ સ્થિત એક ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અલ્કેશભાઈ સોમજીભાઈ ગણાવા (ઉ.વ.31) તા. 19 જૂનની રાત્રે પરિવાર સાથે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી ધાબા પર સુવા ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ નીચે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો.
ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરી તોડેલી હાલતમાં મળી આવી હતી અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં રાખેલા સોનાના મંગળસૂત્ર, નાકની નથડી, ચાંદીના કડા અને વિંછિયા સહિતના દાગીના તેમજ રૂ.15 હજારની રોકડ રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ઘરનું હોમ થિયેટર અને એરટેલ કંપનીનું સેટ-અપ બોક્સ પણ ચોરી થઈ ગયાનું બહાર આવ્યું હતું.
ચોરી ગયેલા મુદ્દામાલમાં આશરે 10 ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર, બે નાકની નથડી, 100 ગ્રામ જેટલી ચાંદીની વસ્તુઓ, રોકડ રૂ.15 હજાર અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.83 હજારની માલમત્તાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે અલ્કેશભાઈ ગણાવાએ અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.








