Gujarat

દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા

By GS TEAM
7 Nov 20252 mins read
દિવાળી વેકેશનમાં ચોરોએ રાણજીપુરા પ્રાથમિક શાળાના તાળા તોડયા

મકાન,દુકાન, મંદિર બાદ હવે શાળાઓ પણ સલામત નહીં

રૃમના તાળા તોડી તિજોરીમાંથી ૭૦ હજારનું સરકારી લેપટોપ ચોરી ગયા ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક રાણજીપુરા પ્રાથમિક શાળામાં દિવાળી વેકેશન દરમિયાન તસ્કરોએ તાળા તોડયા હતા અને તિજોરીમાંથી ૭૦ હજાર રૃપિયાનું લેપટોપ ચોરી લીધું હતું. જે ઘટના સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે મકાન, દુકાન, મંદિર બાદ હવે તસ્કરોએ શાળાને પણ નિશાન બનાવી છે. અડાલજ પંથકમાં આવેલા રાણજીપુરા પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે શાળાના આચાર્ય બીપીનભાઈ ધનજીભાઈ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત ૧૬ ઓક્ટોબરના રોજ શાળામાં દિવાળીનું વેકેશન શરૃ થયું હતું. વેકેશન શરૃ થતા પહેલા સરકાર તરફથી આપવામાં આવેલું લેપટોપ ધોરણ સાતના ઓરડામાં તિજોરીમાં મૂકવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે દિવાળી વેકેશન પૂરું થતાં શાળા ખોલવામાં આવી હતી અને સવારના સમયે શાળાના શિક્ષિકા જિજ્ઞાાસા બેંક લેપટોપ લેવા માટે ધોરણ સાતના રૃમમાં ગયા હતા. જ્યાં તેમણે જોયું કે, તિજોરીનું લોક તૂટેલું હતું અને આ અંગે આચાર્યને જાણ કરતાં તેઓ રૃમમાં ગયા હતા. જ્યાં તિજોરીમાં રાખવામાં આવેલું ૭૦ હજાર રૃપિયાનું લેપટોપ ચોરાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.