For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાંદખેડાના શ્યામ સારથી બંગ્લોની અંદર ઘરમાં ઘૂસેલો ચોર વૃદ્ધાને ગોળી મારવાની ધમકી આપી ફરાર

Updated: Sep 24th, 2022

Article Content Image

અમદાવાદ,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર

ચાંદખેડાના શ્યામ સારથી બંગલોમાં મધરાત્રે ઘરમાં ઘૂસેલા ચોરને જોઈને ચોર ચોરની બૂમો પાડનાર વૃદ્ધાને આરોપી ગોળી મારવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ગુરૂવારે બનેલી ઘટના અંગે પોલીસ તપાસ કરતા એક જ સોસાયટીમાં ત્રણ બંગલોમાં ચોરી થયાનો ઘટસ્ફોટ થયો હતો. ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

સોસાયટીના ત્રણ બંગ્લોમાંથી ચોરી થયાનો ઘટસ્ફોટઃ ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો 

ચાંદખેડાના શ્યામ સારથી બંગલોમાં રહેતા નિવૃત્ત બેંક અધિકારી વસંતકુમાર વાલજીભાઈ સોલંકી (ઉં,૬૫)નાઆએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ બુધવારે રાત્રીના પત્ની, પુત્ર અને ફરિયાદી પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રીના પત્નીના રૂમમાંથી ચોર ચોરની બૂમો સંભળાતા ફરિયાદી અને તેમનો પુત્ર સ્થળ પર પહોંચ્યા હતા. પત્ની વનીતાબહેનને પતિએ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, બેડરૂમમાં તિજોરીના દરવાજા ખોલી કોઈ વ્યક્તિ અંદરથી વસ્તુ લઈ રહ્યો હતો. પ્રથમ તો વનીતાબહેન પુત્ર રૂમમાં આવ્યો હોવાનું સમજીને બેટા તારે શું લેવું છે તેમ બોલ્યા, પણ તિજોરી તરફ ઉભેલા વ્યક્તિએ ફરીને સામે જોતા જ વનીતાબહેનને અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસ્યાની જાણ થઈ હતી.      

વનીતાબહેને ચોર-ચોરની બૂમો પાડતા આરોપીએ હાથમાં રૂમાલ નીચે વીટાળેલું હથિયાર બતાવી ચૂપ હો જા વરના ગોલી માર દૂંગા તેવી ધમકી આપી હતી. વનીતાબહેને બૂમો પાડવાનું ચાલુ રાખતા  આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તપાસ કરતા બેડરૂમના પાછળના ભાગે વોશરૂમ પાસે શટરવાળી બારી ખોલી ચોર ઘરમાં આવ્યાનું જાણવા મળ્યું હતું. સોસાયટીમાં તપાસ કરતા અન્ય બે બંગલોમાં પણ ચોરી થયાનું બહાર આવ્યું હતું. ત્રણે મકાનમાંથી આરોપીએ રૂ.૧૭,૨૦૦ની રોક્ડ રકમની ચોરી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. 

Gujarat