ગોત્રીમાં મકાન ખાલી કરતી વખતે થયેલી ચોરીનો ભેદ ખૂલ્યો,૧૦ લાખની મત્તા સાથે આણંદનો ચોર પકડાયો
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં મકાન ખાલી કરતી વખતે સાંજના સમયે ૧૫ તોલા દાગીનાની ચોરીના બનેલા બનાવનો ભેદ ઉકેલવામાં ગોત્રી પોલીસને સફળતા મળી છે.
ગોત્રીની એસટી કોલોની પાછળ શ્રીનાથ કુંજમાં રહેતા નિલેશભાઇ જોષીએ બીજે મકાન લેતાં એક સપ્તાહ પહેલાં આ મકાન ખાલી કરતા હતા.સાંજે તેઓ કેટલોક સામાન મુકવા ગયા અને પાછા ફર્યા તે દરમિયાન તેમના મકાનમાં તિજોરીમાંથી ૧૫ તોલા સોનાના દાગીના અને અન્ય મત્તા ચોરાઇ હતી.ચોર ઉપરની બારી પર ચડી મકાનમાં ઘૂસ્યો હતો.
ગોત્રી પીઆઇ આર એન પટેલે આ અંગે ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરાવતાં ચોરના સગડ મળ્યા હતા.પોલીસે આણંદના વારખિલીયા ગામે રહેતા વિશાલ મનુભાઇ પટેલને ઝડપી પાડતાં તેની પાસેથી ચોરીના દાગીના,મોબાઇલ સહિતની ૧૦ લાખની મત્તા મળી હતી.વિશાલે આ મકાનની રેકી કરી હોવાની અને અગાઉ આણંદ તેમજ કારેલીબાગમાં છ ગુનામાં પકડાયો હોવાની વિગતો ખૂલી છે.