વડોદરાઃ શહેરના પાર્ટી પ્લોટ તેમજ અન્ય સ્થળોએ પાર્ક કરેલી કારનો કાચ તોડી ચોરી કરવાના બનાવો બનતા હોવાથી પોલીસે વોચ રાખી આ પ્રકારના ગુના કરવાની ટેવ ધરાવતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડયો છે.
હરણી ખાતેના બાલાજી પાર્ટી પ્લોટમાં ગઇ તા.૨૨મીએ યોજાયેલા લગ્ન સમારંભ દરમિયાન બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી લેપટોપ,રોકડ સહિતની ચીજો મળી કુલ રૃ.૧.૩૨ લાખની મત્તાની ચોરીનો બનાવ બનતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમે આ પ્રકાના ગુનાઓ આચરનારા તત્વોની વિગતો એકત્રિત કરી હતી.
આ દરમિયાન હરણી વિજયનગર વિસ્તારમાંથી પોલીસે રીઢા ગુનેગાર એહમદ ઉર્ફે શાહરૃખ સૌકતખાન પઠાણ(રહાડપુર ગામ,ભરૃચ મૂળ મોટી વોરવાડ,વાડી,વડોદરા) ને ઝડપી પાડતાં તેની પાસેથી લેપટોપ,ચશ્મા, બેગ,અને રોકડા રૃ.૨૩૫૦૦ મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન તેણે ચાર દિવસ પહેલાં હરણીના બાલાજી પાર્ટી પ્લોટની બહાર સાગરીત સલિમ ઉર્ફે કાજબ યાકુબમીયા શેખ (તાંદલજા)ની સાથે બાઇક પર જઇ ગિલોલ અને લોખંડના છરા વડે કારનો કાચ તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે કહ્યું છે કે,એહમદ અગાઉ વડોદરા તેમજ ભરૃચ,નવસારી અને વલસાડ ખાતે ૨૫ જેટલા ગુનાઓમાં પકડાયો હતો.


