Gujarat

માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો

By GS TEAM
30 Dec 20251 min read
માતાને મળવા જતો સિકલીગર ખટંબા ટીપી રોડ પરથી ઝડપાયો

વડોદરા, તા.30 વડોદરા નજીક રામનાથ ગામે થયેલી રૃા.૭.૩૦ લાખની ચોરીના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી પોલીસે તેના ઘરમાંથી ચોરીના દાગીના પણ કબજે કર્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૬ ડિસેમ્બરના રોજ રામનાથ ગામના ભાગોળ ફળિયામાં રૃા.૭.૩૦ લાખ કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ચોરીના કેસમાં વરણામા પોલીસે અગાઉ વારસિયામાં રહેતા દિલદારસીંગ તુફાનસીંગ બાવરીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તેણે બે સાગરીતો તારાસીગ કલ્લુસીંગ બાવરી (રહે.નવીનગરી, સયાજીપુરા) અને તેના ભાઇ ગુરમુખસીંગ કલ્લુસીંગ બાવરી સાથે ચોરી કર્યા  બાદ ચોરીના દાગીના સરખા ભાગે વહેંચી લીધા હોવાની કબૂલાત કરી હતી.

દરમિયાન ચોરીમાં સંડોવાયેલો બીજો આરોપી તારાસીંગ ખટંબા ટીપીરોડ પરથી તેની માતાને સયાજીપુરા ખાતે મળવા જવાનો છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે તેને પણ ઝડપી પાડયો હતો અને તેના ઘરની તપાસ કરતાં ઘરની પાછળ સંતાડેલ રૃા.૧.૮૬ લાખના દાગીના કબજે કરવામાં આવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે ત્રણે ચોર બાઇક પર નીકળી સોસાયટી તેમજ ગામોમાં ફરી જે બંધ મકાન હોય તેનો નકૂચો તોડીને ચોરી કરતાં  હતાં. ચોરીના સમયે બે અંદર હોય અને એક બહાર ચોકી કરતો હોય. હાલમાં ઝડપાયેલા તારાસીંગ સામે ૪ ગુના તેમજ અગાઉ ઝડપાયેલા દિલદાર સામે ૧૪ ગુના અને હાલ ફરાર ગુરુમુખ સામે ૫ ગુના નોધાયા છે.