રૂ. 11000 માં ખરીદેલાં કલર પ્રિન્ટર ઉપર જાલી નોટ છાપતા હતા
રાજકોટથી પકડાયેલા પોરબંદરનાં વૃદ્ધ : રાજકોટમાં જે સિરીયલ નંબરની જાલી નોટ મળી તે જ સિરીયલ નંબરની અસલી નોટ આરોપીના ઘરેથી મળી આવી
રાજકોટ, : રાજકોટના ગાંધી મ્યુઝિયમમાં આવેલા રેસ્ટોરન્ટ નજીકથી એસઓજીએ રૂ. 100ના દરની 17 જાલી નોટ સાથે પોરબંદરના હિતેષ કનુભાઈ દાવડાને ઝડપી લીધા હતા. તપાસમાં ઘરે જ કલર પ્રિન્ટર ઉપર જાલી નોટ છાપતા હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે એસઓજીએ તેના ઘરેથી કલર પ્રિન્ટર, કોરા કાગળ અને કટ્ટર વગેરે કબજે કર્યા છે.
એસઓજીની તપાસમાં એવુ ખુલ્યું છે કે હિતેષે છેલ્લા બેથી અઢી મહિનાથી પોતાના ઘરે જ જાલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. પોરબંદરમાંથી તેણે રૂ. 11,000માં કલર પ્રિન્ટર ખરીદ કર્યું હતું. જેની મદદથી જાલી નોટ છાપતા હતા. રૂ. 500ના દરની નોટ કોઈને આપીએ તો તે ધ્યાનથી જોતા હોય છે. જયારે રૂ. 100ની નોટ કોઈ જોતું નથી તેવું લાગતા રૂ. 100ની જાલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તે મુખ્યત્વે ભીડભાડ ધરાવતા વિસ્તારમાં ફેરિયાઓ, શાક-ભાજીના ધંધાર્થીઓ કે નાના વેપારી પાસે જઈ અમુક રકમની ખરીદી કરી બદલામાં રૂ.૧૦૦ની જાલી નોટ પધરાવતા હતા. રિક્ષા ચાલકોને પણ જાલી નોટ આપેલી છે.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે હિતેષ કહે છે કે ખરેખર અત્યાર સુધી કેટલી જાલી નોટ છાપી તે વિશે કોઈ જાણ નથી. જેમ જેમ જાલી નોટ વપરાતી જતી તેમ નવી નવી નોટ છાપતા હતા. રાજકોટમાં તેની પાસેથી જે સિરીયલ નંબરની જાલી નોટ મળી હતી તે જ સિરીયલ નંબરની ચાર અસલી નોટ તેના ઘરેથી પણ મળી આવી છે. અત્યાર સુધીમાં મુખ્યત્વે પોરબંદર અને રાજકોટમાં જાલી નોટ વટાવ્યાનું રટણ કર્યું છે. રાજકોટમાં તેની અવર-જવર વધુ હોવાથી અહીં પણ જાલી નોટ વટાવતા હતા. ખરેખર કયા કારણથી જાલી નોટ છાપવાના રવાડે ચડી ગયા તે વિશે એસઓજીને કોઈ ચોકકસ માહિતી મળી નથી. તેનું મકાન પોરબંદરના વાડી પ્લોટ જેવા પોશ એરિયામાં આવેલું છે. આ મકાન તેના બાપદાદાનું છે. તેની રહેણીકરણી જોતાં તેને જાલી નોટ છાપવાની કેમ જરૂર પડી તે પોલીસ માટે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની ગયો છે.