'તમે કરો છો શું..' શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા AMC કમિશનર અધિકારીઓ પર બગડ્યાં
Ahmedabad Rain Updates : અમદાવાદમાં વરસાદી પાણી ભરાવા મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર રીસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહી ખખડાવ્યા હતા.શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે. ડ્રેનેજ બેક મારવાની પણ અનેક ફરિયાદો છે એ કયારે હલ થશે.
બુધવારે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમના કડક વલણનો અનુભવ અધિકારીઓએ કર્યો હતો.બેઠકમાં મોડા પહોંચનારા ત્રણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને કમિશનરે રવાના કરી દીધા હતા.
દરમિયાન તાજેતરમાં પડેલા વરસાદ અને વરસાદના કારણે શહેરના વીસથી વધુ વોટરલોગીંગ સ્પોટ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કલાકો સુધી કોર્પોરેશનના અધિકારીઓ કરી શકયા નહતા.મ્યુનિસિપલ કમિશનરે વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના અધિકારીને કહ્યું , તમારી પાસે આખા અમદાવાદના વોટર લોગીંગ સ્પોટની યાદી છે તો પછી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કયા કારણથી કરી ના શકયા?
તમને અગાઉ પણ કહ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારમા આવેલા તળાવોમાં ગટરના ગંદા પાણી જાય છે એને બંધ કરો.ગેરકાયદે કનેકસન કાપો.પણ તમે તો કશુ કરતા હોય એમ લાગતુ જ નથી.શહેરના લોકોની તકલીફ ઘટાડવાની દીશામાં કામ કરો તો સારુ.
કોર્પોરેશન સારી કામગીરી પણ કરે છે એમ છતાં એ કામગીરી કયા કારણથી મિડીયામાં હાઈલાઈટ થતી નથી એ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(પબ્લીસિટી)નો કલાસ લીધો હતો. પબ્લિસિટી વિભાગ શું કરે છે? તમારો આ વિભાગ માત્ર કાર્યક્રમો કરવા માટે જ છે? કોર્પોરેશનની સારી કામગીરી મિડીયા સુધી પહોંચતી કરવાની જવાબદારી તમારી છે.