વડોદરા લાલબાગથી વિશ્વામિત્રી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી નહીં થાય તો જળબંબાકાર થશે
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ચોમાસા પૂર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં ચોમાસા દરમિયાન શહેરમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે તળાવો અને વરસાદી કાંસોની સફાઈ થઈ રહી છે, પરંતુ વોર્ડ નંબર 13 માંથી વરસાદી પાણીના નિકાલ માટે લાલબાગથી વિશ્વામિત્રી સુધી વરસાદી ગટરની જે કામગીરી ચાલુ કરવામાં આવી છે, તેના ભૂંગળામાં હજી માટી ભરેલી છે.
વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં વોર્ડ નં.13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરએ રજૂઆત કરી હતી કે ચોમાસુ હવે માથે છે. 48 ઇંચ ડાયામીટરના જે ભૂંગળા નાખેલા છે, તે સાફ કરવામાં આવ્યા જ નથી. તેમાં માટી ભરેલી છે, તો પાણી નિકાલ ક્યાંથી થશે? આ કામગીરી બરાબર થતી નથી તેના પુરાવા આપ્યા હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા સુધારાના પગલાં લેવામાં આવ્યા નથી. એક બાજુ તળાવના બ્યુટીફિકેશનની સાથે તેને ઊંડા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલી રહી છે. ઘણી જગ્યાએ ડ્રેનેજના પાણી સીધા જ ટ્રીટમેન્ટ કર્યા વગર નદીમાં છોડવામાં આવી રહ્યા છે. શહેરના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં વગર ચોમાસે ઓવરફ્લો થાય તેવું છે. બારે મહિના મસીયા કાસમાં ડ્રેનેજના પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીની સાથે આ ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં આવે છે. આ બાબતે ઘણીવાર સમગ્ર સભામાં રજૂઆત કરેલ છે, પરંતુ પગલાં લેવાતા નથી. લાલબાગ પાણીની ટાંકીની બાજુમાં આવેલ વર્ષો જૂનું રેલવે ટ્રેક પાસેનું તળાવનુ પુરાણ ચાલી રહ્યું છે, જેના લીધે પાણી ભરાવાનો વિકટ પ્રશ્ન ઉભો થશે તેવો ભય છે.