Gujarat

ચાર આઉટડોર ટેનિસ કોર્ટ હશે , વસ્ત્રાલમાં ૩૭ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેકસની કામગીરી પૂર્ણતા તરફ

By GS TEAM
29 Jun 20251 min read
ચાર આઉટડોર ટેનિસ કોર્ટ હશે , વસ્ત્રાલમાં ૩૭ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેકસની કામગીરી પૂર્ણતા તરફ

  અમદાવાદ,શનિવાર,28 જુન,2025

અમદાવાદ પૂર્વમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં રુપિયા ૩૭.૨૬ કરોડના ખર્ચે  તૈયાર થઈ રહેલા સ્પોર્ટસ કોમ્પલેકસની કામગીરી ઓગસ્ટ મહીના સુધીમાં પુરી કરી લેવાશે.ચાર આઉટડોર ટેનિસ કોર્ટ ઉપરાંત ફુટબોલ ગ્રાઉન્ડ તથા એથ્લેટીક ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે.

અમદાવાદમાં નારણપુરા ખાતે રુપિયા ૭૬૧ કરોડથી વધુના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ તૈયાર કરાયુ છે.આ સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા યુનિયન મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા બજેટ મંજુર કરાયુ હતુ.જેની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.વસ્ત્રાલમાં ૧૮,૨૮૨ ચોરસમીટર બિલ્ટઅપ એરીયામાં સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા કોન્ટ્રાકટર પી.આર.પટેલને કામગીરી અપાઈ હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,ઈન્ડોર સુવિધામાં લાઈબ્રેરી બિલ્ડિંગ તથા ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પલેકસનો સમાવેશ કરાયો છે.જેમાં લોન્ગ જમ્પ,ટ્રીપલ જમ્પ,જેવી રમત માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.બેઝમેન્ટમાં ૯૧ ટુ વ્હીલર અને ૪૦ ફોર વ્હીલરના પાર્કીંગ કરી શકાશે.ગ્રાઉન્ડ ફલોર ઉપર એક ટેબલટેનિસ રુમ અને એક સ્વિમિંગપુલ બનાવાયો છે.

સ્પોર્ટસ કોમ્પલેકસમાં ફલોર મુજબ રમતો માટે વ્યવસ્થા કરાઈ

સ્પોર્ટસ કોમ્પલેકસના પહેલા માળે જીમનેશ્યીમ ઉપરાંત સ્ટીમ અને સોના બાથની વ્યવસ્થા કરાઈ છે.આ ઉપરાંત મલ્ટિ પર્પઝ સ્પોર્ટસ હોલમાં યોગ, માર્શલ આર્ટ, જુડો, કરાટે, એરોબીકસ, બોકસીંગ તથા ફલોર એકસસાઈઝની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.બીજા માળ ઉપર મલ્ટી પર્પઝ સ્પોર્ટસ કોર્ટ હોલમાં બેડમિંગ્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ જેવી રમતો રમી શકાશે.ત્રીજા માળ ઉપર આ રમતોને લોકો જોઈ શકે એ માટે બેઠક વ્યવસ્થા કરાઈ છે.