Get The App

આણંદ મહાપાલિકામાં 13 વોર્ડ અને બાવન કોર્પોરેટર રહેશે

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ મહાપાલિકામાં 13 વોર્ડ અને બાવન કોર્પોરેટર રહેશે 1 - image


- સરકારે વોર્ડ અને બેઠકોનું રોટેશન સાથેનું નોટિફિકેશ જાહેર કર્યું

- 1 એસસી, 1 એસટી, 7 ઓબીસી અને 17 સામાન્ય સહિત 26 બેઠકો મહિલાઓ માટે અનામત : સોજીત્રા, બોરસદ, પેટલાદ, ખંભાત અને ઉમરેઠ પાલિકાની ચૂંટણીઓ ડિસેમ્બર પહેલા યોજાવાની સંભાવના

આણંદ : આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્ય સરકારે આણંદ મનપાના વોર્ડ અને બેઠકોનું રોટેશન જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે. ત્યારે આણંદ મહાપાલિકાને ૧૩ વોર્ડમાં વિભાજિત કરાઈ છે. મનપામાં બાવન કોર્પોરેટર રહેશે. આણંદ મનપા સહિત નવનિર્મિત તારાપુર પાલિકા, બોરસદ, પેટલાદ, ખંભાત, સોજીત્રા નગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બર પહેલા યોજાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 

ગુજરાત શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા આણંદ મહાનગરપાલિકાના વોર્ડ, બેઠકો અને બેઠકોના રોટેશન અંગેનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જાહેરનામામાં આણંદ મહાનગરપાલિકાને ૧૩ વોર્ડમાં વિભાજિત કરાઈ છે. દરેક વોર્ડમાં ૪ બેઠક લેખે કુલ બાવન બેઠકો જાહેર કરાઈ છે. ત્યારે આણંદ મહાનગરપાલિકામાં બેઠકોમાં ૫૦ ટકા મહિલા અનામત સાથે બાવન બેઠકોમાંથી ૨૬ બેઠકો મહિલાઓ માટે ફાળવાઈ છે. જેમાં ૧ એસસી, ૧ એસટી, ૭ ઓબીસી અને ૧૭ સામાન્ય મહિલાઓ માટે જાહેર કરાઈ છે. પુરૂષો માટે પણ તે જ પ્રામણે ૨૬ બેઠકો જાહેર કરાઈ છે.

ગુજરાત સરકારે ૨૦૨૪ના આખરમાં વિધાનસભાના બજેટસત્રમાં જાહેરાત બાદ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ નોટિફિકેશન બહાર પાડી આણંદને વિધિવત મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સાથે મનપાના વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરને ચાર્જ સોંપી દેવાયો હતો. સરકારે આણંદ મનપાના કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરોની નિમણૂક પણ કરી દીધી હતી. 

આણંદ મનપામાં સમાવિષ્ટ વિસ્તારની વસ્તી અંગેનો ડેટા સરકારમાંથી મંગાવાયો હતો. આણંદ મનપા જાહેર થયાને છ મહિનામાં આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, જીટોડિયા, ગામડી, લાંભવેલ ગામોની વસ્તીના સમાવેશ સાથે વોર્ડ રચના અંગે અગાઉ પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી. ત્યારે શહેરી વિકાસ વિભાગની ગાઈડલાઈન અનુસાર વોર્ડ રચના માટેનું આયોજન કરવાની કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગને સોંપ્યા બાદ કામગીરી પૂર્ણ થતા આખરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી દેવાયું છે. 

આણંદ મનપાના વોર્ડના નોટિફિકેશન બાદ શહેરના રાજકીય પક્ષોમાં હવે ચૂંટણીનો થનગનાટ શરૂ થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં વહીવટદારના સમયમાં રસ્તા, પાણી, ગટર સહિતની સુવિધાઓના પ્રશ્ને શહેરીજનોને હાલાકી ભોગવવી પડી છે. ત્યારે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તા મળતા મનપા સંબંધીત કામો વહેલી તકે કરાવી શકાશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. 

આણંદ મનપામાં સમાવિષ્ટ પાંચ ગામોના મતદારોને કળવા મુશ્કેલ

આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ જીટોડીયા, લાંભવેલ, મોગરી, ગામડી અને કરમસદના મતદારો ભાજપ વિરુદ્ધ માનસિકતા ધરાવતા હોવાનું ભૂતકાળમાં પુરવાર થયેલું છે. જેથી આગામી ચૂંટણીઓમાં બાવન બેઠકોમાંથી આજ ગામોના વોર્ડ જીતવા ભાજપ માટે નવા અને બીનઅનુભવી હોવાથી વોર્ડની બેઠકોમાં નુકસાન પણ થાય તેવી ભાજપને ચિંતા છે.

સુપરસીડ બોરસદ અને સોજીત્રા પાલિકાને વહીવટદારમાંથી મુક્તિ મળશે

રાજકીય દાવપેચ અને સત્તાના સમીકરણોના કારણે બહુમતી હોવા છતાં સુપર સીડ કરેલી બોરસદ તથા સોજીત્રા નગરપાલિકાઓમાં હાલ સ્થાનિક ધારાસભ્યના ઇશારે વહીવટો થઈ રહ્યા છે. ત્યારે આગામી ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજવાની સંભાવના કારણે બંને નગરપાલિકાઓમાં હવે સત્તા પરિવર્તન માટે નગરજનોનો મૂડ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વહીવટદારના શાસનમાંથી મુક્તિ મળશે તેનો આનંદ પણ જોવા મળી રહ્યો છે.

મતદાર યાદી, બુથ સંબંધિત કામગીરી પૂર્ણ કરવા ચૂંટણી પંચની તૈયારીઓ

આણંદ જિલ્લામાં સુપર સીડ થયેલી બોરસદ, સોજીત્રા સહિત નવનિમત તારાપુર નગરપાલિકા અને ખંભાત, ઉમરેઠ, પેટલાદ નગરપાલિકાઓની પણ સામાન્ય ચૂંટણીઓ ડિસેમ્બર પહેલા યોજાય તે માટે ચૂંટણી પંચત મતદાર યાદી, બુથ, સંબંધીત કામગીરી પૂર્ણ કરવાની તૈયારીઓ ઝડપથી કરી રહ્યું છે. જેથી ઉપરોક્ત છ પાલિકાઓની ચૂંટણીઓ પણ યોજાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

Tags :