પાણીની લાઇનમાં મસમોટું ભંગાણ પડયું પાણી નહીં મળતાં સેક્ટરોમાં દેકારો મચ્યો

ગટર લાઇનના ખોદકામ વખતે સેક્ટર-૫ના વિસ્તારમાં
ફુવારા ઉડયાં અને જાણે ધોધ પડી રહ્યાં જેવા દ્રશ્યો બાદ રોડ પર એકાદ કિલોમીટર સુધી પાણી વહ્યાં ઃ મોંઘામુલનું લાખો લીટર પાણી વેડફાયું
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેક્ટરોમાં ૨૪ કલાક પાણી આપવાની
યોજના અંતિમ તબક્કે પહોંચવામાં છે. ભોંયતળિયા પરની ટાંકીઓ મોટર ચલાવ્યા વગર ભરાવા લાગી
છે. પરંતુગ્રાન્ડ પ્લસ એક માળનું મકાન હોય તો ધાબા પરની ટાંકીઓ ભરાય તેવા અણસાર હજુ
સુધી મળી રહ્યાં નથી. મતલબ,
કે ધાબાની ટાંકીઓ રહેવાસીઓે મોટર ચલાવીને જ ભરવાની રહેશે.
દરમિયાન ગંદા પાણીના નિકાલ માટે નવું નેટવર્ક ગોઠવવાની
કામગીરી કરાઇ રહીં છે. ખુબ ઓછા વિસ્તારમાં તેનું કામ બાકી છે. પરંતુ તેના માટે
કરાતા ખોદકામ દરમિયાન છાશવારે પાણીની લાઇનોમાં ભંગાણ પડવાનો સીલસીલ અટકતો નથી.
દરમિયાન ગત સાંજે ખ ૧ સર્કલથી ગ ૧ સર્કલ તરફ જતાં રસ્તે એપ્રોચ રોડ પાસે પાણીની
લાઇન તૂટી હતી. પાટનગર યોજના વિભાગના અધિકારીઓ આ સાથે દોડતા થયા હતાં અને મોડી રાત
સુધી સમારકામ ચાલ્યુ હતું.
પાણી પુરવઠાએ પમ્પિંગ બંધ નહીં કરતાં વધુ પાણી વેડફાયું
ગટરની લાઇન નાંખવાની કામગીરી માટેના ખોદકામ દરમિયાન પાણીની
૩૦૦ ડાયામીટરની પાઇપ લાઇન તૂટી હતી. જેના પગલે પાણીનો વ્યય રોકવા ભંગાણના સ્થળથી
ચારે બાજુએ આવેલા પાણીના વાલ્વ તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યા હતાં. આમ છતાં
પાણીનો વેડફાટ બંધ થયો ન હતો. કેમ,
કે ૨૪ કલાક પાણીની યોજના અંતર્ગત પાણી પુરવઠા દ્વારા લાઇનોમાં પ્રતિ કલાકે ૪૦
લાખ લિટરનું પ્રેસર જાળવી રાખવામાં આવે છે. તેના માટેના પમ્પ ચાલુ જ રાખવામાં
આવતાં પાણીનો વ્યાપક માત્રામાં વેડફાટ થયો હતો.
સેક્ટરો ૨,
૩, ૪, ૫, ૭ અને ૮માં ફોર્સથી
પાણી નહીં મળે
પાટનગર યોજના વિભાગ દ્વારા પાણીની લાઇનમાં ભંગાણ પડયા બાદ
રાત ઉજાગરા કરીને તેનું સમારકામ કરવામાં આવ્યુ હતું. પરંતુ હવે આગામી ત્રણેક દિવસ
સુધી સેક્ટર ૨, ૩, ૪, ૫, ૭ અને ૮ એમ છ
સેક્ટરોમાં ફોર્સથી પાણી મળે તેવી શક્યતા નથી. આ વિસ્તારોમાં સમુળગુ પાણી નહીં જ
મળે તેવી સ્થિતિ નથી. પરંતુ પાણીની મુખ્ય અને આંતરિક લાઇનો ખાલી થઇ ગઇ હોવાથી
નિર્ધારિત માત્રામાં ફોર્સ જળવાશે નહીં. જોકે બે-ચાર દિવસમાં જ પાણીનું વિતરણ
પૂર્વવત્ત થઇ જાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.








