સોમનાથમાં વર્ષો પૂર્વે ખાડી પર આડો ઉઘાડ-બંધ થતો બ્રિજ હતો
રામેશ્વરના વર્ટિકલ રિવોલ્વિંગ બ્રિજના પ્રારંભે ભૂલી બિસરી યાદેં : લોખંડની ચાવી ગોળ ફેરવવાથી બ્રિજ સાઇડમાં હટી જતો, ને મોટાં વહાણ પસાર થઇ જાય પછી ફરી બ્રિજ સંધાઇ જતો'તો :
પ્રભાસપાટણ, : રામનવમીના દિવસે રામેશ્વરના દરિયા ઉપર રિવોલ્વિંગ બ્રિજનું લોકાર્પણ કરાયું છે ત્યારે નોંધનીય છે કે લગભગ આને મળતો આવતો પુલ વરસો પહેલાં વેરાવળ-પાટણ જાહેર રસ્તાને જોડતી દરિયાઇ ખાડી ઉપર હતો. અત્યારે તમામ વાહન વ્યવહાર ભાલકા મંદિર પાસે કે બંદરનાં મેદાનમાં થઇને વેરાવળ ચાલે છે પરંતુ વરસો પહેલાં સોમનાથથી સીધું ભીડીયામાં થઇ ખાડીના રિવોલ્વિંગ પુલ ઉપર થઇ જવાતું હતું. દરિયાની ખાડી ઉપર આ પૂલ હોવાથી મોટા વહાણોને ખાડીમાં પાર્કિંગ કરવા માટે જવું હોય તો બંદરનો એક કર્મચારી લોખંડની ચાવી બ્રિજમાં લગાવે અને જેમ-જેમ ગોળ-ગોળ ફેરવે તેમ બ્રિજ સાઇડમાં હટી જાય અને રસ્તો તેટલી ક્ષણે કપાઇ જાય. જેવા વહાણો પસાર થઇ જાય એટલે ફરી પાછી જૂના તાવડીવાજાં કે જૂના જમાનાની મોટરની જેમ ફરી પાછી ઊંધી ચાવી ફેરવે એટલે રસ્તો આપોઆપ જોડાઇ જાય. આમ, ટ્રેનનાં ફાટકની જેમ જ્યારે આ પુલ ખુલતો ત્યારે વાહન વ્યવહાર બંધ થઇ જાય. રામેશ્વરનો હાલ લોકાર્પણ થયેલ બ્રિજ લિફટની જેમ ૨૨ ફૂટ ઉંચે જાય છે અને તેની નીચેથી મોટાં વહાણો પસાર થાય છે, જ્યારે વેરાવળનો બ્રિજ ચાવી દેતા પુલમાંના રસ્તા સાથેની એક સાઇડ એક બાજુ અને બીજી સાઇડ બીજી બાજુ આમ પુસ્તકનાં બે પાનાંની જેમ ખુલતો અને વહાણ પસાર થયા બાદ બંધ કરાતાં રસ્તા જેવો રસ્તો ગોઠવાઇ જતો. જેમ રામેશ્વરમાં વહાણ પસાર થયા બાદ તે પુલ રેલવે લાઇન સાથે સંપૂર્ણ સમાંતર ફિટ થઇ જાય અને ટ્રેન લાઇન સળંગ રહે છે.
બ્રિજ હયાત છે એમ માની ભર વરસાદે આર્મીનો ટ્રક હંકારાતા દરિયામાં ડૂબી જતાં 20 જવાનનાં મોત થયા'તાં
બંદરનાં વિકાસના ભાગરૂપે તે પુલ કાઢી નાખવામાં આવ્યો હતો અને એ જગ્યા અમુક વરસ સુધી સાવ ખુલી રહી જેને કારણે ચોમાસાના ભર વરસાદે એ રસ્તો ચાલુ છે જ તેમ માની સોમનાથ દર્શન કરવા આવેલા મીલીટરી જવાનોની આખી ટ્રક તે ખાડીમાં ગરકાવ થઇ ગઇ હતી અને 20 જેટલા જવાનોનો મોત થયા હતાં.