Get The App

દ્વારકા જિલ્લામાં ATSનું ગુપ્ત ઓપરેશન સલાયાથી 2-3 ઈસમોને ઉઠાવ્યાની ચર્ચા

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
દ્વારકા જિલ્લામાં ATSનું ગુપ્ત ઓપરેશન સલાયાથી 2-3 ઈસમોને ઉઠાવ્યાની ચર્ચા 1 - image


પાકિસ્તાનને સાંકળતા દરિયાઈ સરહદી ક્ષેત્રમાં કાર્યવાહી : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાક વચ્ચે વણસેલી સ્થિતિ સમયે શંકાસ્પદ ગતિવિધિ થયાની આશંકાથી પુછતાછની શક્યતા

સલાયા, : કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વણસેલી સ્થિતિ વચ્ચે ગુજરાતની દરિયાઈ સરહદે આવેલા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે એકાએક જ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ (એટીએસ)ની ટીમ ત્રાટકીને એકદમ ગુપ્ત ઓપરેશન હાથ ધરી સલાયામાંથી બે-ત્રણ ઈસમોને ઉઠાવી ગયાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે, આ વાતને હાલ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.

ગુજરાત એટીએસની ટીમ ગઇકાલે એકાએક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાટકી હતી અને સલાયામાંથી બે થી ત્રણ શખ્સોને અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. તેઓને અત્યંત ગુપ્ત રાહે અજ્ઞાાત સ્થળે લઇ જઇ પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. જો કે સત્તાવાર કોઇ વિગતો સામે આવી નથી. આ સાથે આ ઉપરાંત ઓખામાંથી પણ એક શકમંદને ઉઠાવી ગયાની ચર્ચાએ જોર પકડયું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાક વચ્ચે વણસેલી સ્થિતિ સમયે શંકાસ્પદ ગતિવિધિ થયાની આશંકાથી પુછતાછ માટે શકમંદોને સકંજામાં લેવાયાની શક્યતા છે. પણ ડ્રગ્સ પ્રકરણ કે અન્ય કોઇ કારણસર લઇ ગયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે અને સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે. કારણ કે, આ મામલે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે પણ પોતે અજાણ હોવાનું કહીને આ વાતને કોઈ સમર્થન આપવામાં આવ્યું નથી.

હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અજંપાભરી શાંતિની સ્થિતિ વચ્ચે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની ટીમ ત્રાટકતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. અહીં ભૂતકાળમાં સલાયા, નાવદ્રા અને અન્ય સ્થળેથી ડ્રગ્સનો જગી જથ્થો તબક્કાવાર ઝડપાયો હતો. આ ઉપરાંત દરિયાકાંઠેથી બિનવારસુ ચરસના પેકેટ પણ મળી આવ્યા હતા. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયબર સેલ અને સર્વેલન્સ ટીમને એક્ટિવ કરવામાં આવી છે. જેમણે થોડા દિવસો પહેલા ભાણવડના ભેનકવડ ગામે ભારત-પાકિસ્તાન યુધ્ધ બાબતે બબાલ કરનાર બે શખ્સોની અટકાયત કરીને મોબાઈલ ફોન ચેક કરતા તેઓ પાકિસ્તાનના ઘણા શખ્સો સાથે વાટ્સએપ, ફેસબૂક સહિત અલગ અલગ સોશિયલ મીડિયા એપ્લિકેશનથી સંપર્કમાં હોવાનું પણ ખુલવા પામ્યું હતું. જો કે, એ પ્રકરણમાં બાદમાં પોલીસ દ્વારા કંઈ જાહેર કરવામાં આવ્યું નથી, ત્યાં સલાયાથી એટીએસની ટીમે બે-ત્રણ શકમંદોને ઉઠાવ્યાની વાતે ચકચાર જગાવી છે.


Tags :