જામનગરની શિશુ વિહાર હિન્દી શાળામાં 431 વિદ્યાર્થીઓ વચ્ચે 1 જ શિક્ષક!
10 વર્ષથી 8 શિક્ષકોની જગ્યા ખાલી : જો શિક્ષકોની નિમણૂંક નહીં કરાય તો શહેરની એક માત્ર હિન્દી માધ્યમ શાળા બંધ કરવાની નોબત આવશે
જામનગર, : જામનગર શહેરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી શિશુ વિહાર હિન્દી સ્કૂલ કે જે 1959 ની સાલ થી કાર્યરત છે. જેમાં નવ શિક્ષકનું મહેકમ છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી માત્ર એક શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, અને આગામી જુન -2026 સુધીમાં નવા શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ એક માત્ર હિન્દી સ્કૂલ પણ બંધ કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જામનગરમાં હિન્દી ભાષામાં શિક્ષણ આપની એક માત્ર શિશુ વિહાર હિન્દી પ્રાથમિક સ્કૂલ આવેલી છે. સરકારના નિયમ અનુસાર આ સ્કૂલ ભાષાકીય લઘુમતી શ્રેણીમાં નોંધાયેલી ગ્રાન્ટેડ સરકારી પ્રાથમિક શાળા છે. જેમાં બાળ વાટીકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. હિન્દી ભાષામાં શિક્ષણ આપતી આ શાળામાં હાલ 431 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
સરકારના મહેકમ મુજબ 9 શિક્ષકો હોવા જોઇએ. અત્યાર સુધીમાં અન્ય શિક્ષકો નિવૃત્ત થયા ગયા છે. ત્યારે ખાટલે મોટી ખોટ છે કે 2015ની સાલથી એટલે કે છેલ્લાં 10 વર્ષથી સ્કૂલમાં એક જ શિક્ષક છે. 8 શિક્ષકોની જગ્યા 10 વર્ષથી ખાલી છે. જે અંગે શાળાના સંચાલક હિન્દી સમાજે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લાખી ધ્યાન દોર્યું છે.