Gujarat

72 ગામના રાજુલા તાલુકામાં ફરવા લાયક એક પણ બગીચો નથી

By GS TEAM
24 Sep 20252 mins read
72 ગામના રાજુલા તાલુકામાં ફરવા લાયક એક પણ બગીચો નથી

- જગ્યા ફાળવી બગીચો બચાવવા ચીફ ઓફીસરને રજુઆત

- અગાઉ 3 બગીચા હતા પરંતુ જાળવણીનાં અભાવે હાલ ખંઢેર હાલતમાં

રાજુલા : રાજુલા તાલુકાનાં ફરવાલાયક હાલ એક પણ બગીચાનું અસ્તિત્વ રહ્યું નથી ત્યારે બાળકો વૃદ્ધો માટે ફરવાનું સ્થળ ન હોય શાસક પક્ષની બોડીના જ સભ્ય અને સામાજિક આગેવાનો દ્વારા તાકીદે જગ્યા ફાળવી ફરવાલાયક બગીચાનું નિર્માણ કરવા ચીફ ઓફીસરને માંગણી કરી છે.

રાજુલા તાલુકો ૭૨ ગામના રાજુલા તાલુકાની વસ્તી લગભગ ૧ લાખ પહોંચવા આવી છે તેમજ રાજુલા શહેરમાં સિનિયર સિટીઝન કે નાના બાળકોને એક કલાક સમય પસાર કરવો હોય તો બેસવા માટે એક પણ બગીચો નથી આમ તો રાજુલામાં ત્રણ બગીચા હતા. એક સિવિલ હોસ્પિટલની સામે તુલસીબાગ જે નાનો એવો ત્રિકોણ જગ્યા ધરાવતો બગીચો હતો પણ ત્યાં ખાણી પીણી સ્ટોલ માટે જગ્યા ફાળવી દીધી. બીજો નાનો બગીચો તત્વ જ્યોતિ સામે જેને બાલવાટિકા કે મહિલા બાળ વાટિકા તરીકે પણ ઓળખતા હતા તે પણ અત્યારે ખંઢેરા હાલતમાં છે. ત્રીજો બગીચો જવાહર બાગ જે આગરીયા જગાતનાકા પાસે ધાણા નદીને કાંઠે હતો ત્યાં હવે નામ નિશાન રહ્યું નથી. હવે આ બગીચાઓ જે તેં  જગ્યાએ થશે કે પાલિકાની મોટી જગ્યા હોય ત્યાં થશે તે એક પ્રશ્નાર્થ છે આ માટે અત્યારે ભાજપની બોડી છે અને તેમાં ૨૮ સીટ માંથી ૨૮ સીટ તેમને મળેલી છે અને ચુંટાયેલા સભ્ય જ બગીચા ચેરમેન પણ છે તેમણે પાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરી છે કે આ બગીચાઓ કયારે નિર્માણ થશે અને લોકોને કયારે સુવિધા મળશે. તે માટે લેખિત રજુઆત કરી છે.