પાલિતાણા વિધાનસભા બેઠક પર ખાસ વિકાસ કામ નહી થતા કચવાટ


તિર્થનગરી છતા રોડ, સફાઈ સહિતના કામમાં ઠાગાઠૈયા : ગામડાઓમાં અનેક સમસ્યા

ભાવનગર-પાલિતાણા :  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પગલે પાલિતાણા વિધાનસભા બેઠક પર રાજકીય માહોલ જામ્યો છે. ચૂંટણી આવે એટલે ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે અને ચૂંટણી બાદ ધારાસભ્યો લોકોના પ્રશ્ને ધ્યાન દેતા નથી તેથી લોકોમાં નારાજગી ફેલાતી હોય છે. પાલિતાણા તિર્થનગરી તરીકે ઓળખાય છે છતા આ બેઠક પર ખાસ વિકાસના કામ થયા નથી તેથી લોકોમાં કચવાટ ફેલાયો છે. પાલિતાણા શેત્રુંજ્ય પર્વત પર જૈન દેરાસરો આવેલા છે તેથી અહી દર્શન માટે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં આવતો હોય છે. તિર્થનગરી હોવાથી અહી જુદા જુદા સમાજના લોકો દર્શન માટે તેમજ ફરવા માટે આવતા હોય છે. પર્યટકો પર લોકોના ધંધા-રોજગાર ચાલતા હોય છે. ગત ટર્મમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયા ચૂંટણી જીત્યા હતા અને તેઓ પાસે લોકોને ઘણી આશા હતી, જેમાં કેટલાક કામ થયા છે પરંતુ ઘણા કામ થયા નથી. તિર્થનગરી છતા રોડ, સફાઈ સહિતના કામમાં ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં અનેક સમસ્યાઓ છે પરંતુ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. આ વિસ્તારના લોકો હીરા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. ગુલાબની ખેતી પણ અહી મોટા પ્રમાણમાં થાય છે. અન્ય કોઈ મોટા ઉદ્યોગ નથી તેથી લોકોમાં નારાજગી છે ત્યારે આ ચૂંટણીમાં મતદારોનો અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો પાસે લોકોની અપેક્ષા પણ ઘણી છે ત્યારે મતદારો ખુબ વિચારીને મત આપશે.

પાલિતાણા બેઠક પર વિકાસના કામ કરનારને મત

ભાવનગર જિલ્લાની પાલિતાણા વિધાનસભા બેઠક પર અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે અને વિકાસ ઓછો છે ત્યારે આ ચૂંટણીમાં મતદારોનો મિજાજ અલગ જોવા મળી રહ્યો છે. રોડ, ટ્રાફીક, ગંદકી સહિતના પ્રશ્ન હલ કરનારને તેમજ પાલિતાણા બેઠક પર વિકાસ કરનારને લોકો મત આપશે તેમ લોકોમાં ચર્ચાય રહ્યુ છે ત્યારે ઉમેદવારોએ વિકાસના કામ માટે આયોજન કરવુ પડશે તેમ જણાય રહ્યુ છે. 

 પ્રાથમિક સુવિધા મળે અને કામ ઝડપી થાય

પાલિતાણા વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે અને જુદા જુદા વાયદા કરી રહ્યા છે પરંતુ લોકોને વાયદાઓમાં રસ નથી પરંતુ પરિણામલક્ષી કામગીરી થાય તેમાં રસ છે. પ્રાથમિક સુવિધા મળે અને રોડ, સફાઈ, પાણી સહિતના કામ ઝડપથી થાય તેવી લોકોની અપેક્ષા છે. દારૃનુ દુષણ અટકે તેમ પણ લોકો ઈચ્છી રહ્યા છે. 

 

City News

Sports

RECENT NEWS