ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ

- ટ્રેકટર આવે છે પણ માત્ર એક જ વાર
- ચોક્કસ સ્થળે કચરાપેટી મુકવા અને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી
આમ તો ઉમરાળા ગામના અનેક રસ્તાઓના ખુણે ખાંચરે કચરો જોવા મળવો તથા કેટલીક જગ્યાએ રસ્તા પર ગટરની કુંડીઓ અવારનવાર ઉભરાવી એ અહીંની તાસીર થઈ પડી છે, પરંતુ અહીં કાળુભાર નદી કાંઠા પરના ગઢના રસ્તા પર ઠેર ઠેર કચરાનાં ગંજ કાયમી સમસ્યા છે અને તેમાંયે પૂર્વ દરવાજા નજીક આવેલ મહિલાઓ માટેના જાહેર સ્નાનગૃહના પ્રવેશ દ્વારની ાગળના ભાગમાં કાયમ કચરાના ઢગલા જામેલા રહે છે. બજાર અને કેટલીક શેરીઓના ઘરોથી કચરો એકઠો કરવા ગ્રામ પંચાયતનું ટ્રેકટર સવારમાં ફરતું હોય છે. પરંતુ પછી આખા દિવસ દરમિયાન જે કચરો રસ્તાઓ પર ફેંકાય કે અન્ય વિસ્તારમાંથી ઉડીને આવે તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જેથી ચોક્કસ વિસ્તારોમાં કચરો વધુ પડતો એકઠો થતો હોય ત્યાં મોટી કચરા પેટી મુકવામાં આવે તો કચરો રસ્તા પર ન ફેંકાય અને કચરાપેટીમાં એકઠા થતા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે.








