ભગવદ્દ ગૌ મંડલમાં ઘર ઘરણાનો અર્થ પુનર્લગ્ન જૂનાગઢનાં મહિલાના કેસમાં ફેમિલી કોર્ટના નિર્ણયને હાઇકોર્ટે રદ કરી બંને પક્ષને સાંભળવા હુકમ કર્યો બાદ ફરીથી સુનાવણી થઈ
જૂનાગઢ, : જૂનાગઢના એક મહિલાએ ઘર ઘરણું કર્યું હતું. બાદમાં પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી. જેને પત્ની કાનુની રીતે તેના પતિ સાથે લગ્ન થયા હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી ફેમિલી કોર્ટે નકારી હતી. આ બાબત હાઈકોર્ટમાં પહોંચી જતા હાઈકોર્ટે ફેમિલી કોર્ટને નવેસરથી દંપતીની અરજી સાંભળવા હુકમ કર્યો હતો. જેના આધારે જૂનાગઢ ફેમિલી કોર્ટે ઘર ઘરણાની કોઈ વ્યાખ્યા નથી છતાં સમાજમાં રિવાજરૂપે અનુસરવામાં આવે છે આથી મહિલાના ભરણપોષણના હક્કોને કાયદો સુરક્ષા આપે છે.
આ કેસની વધુ વિગત મુજબ જૂનાગઢમાં રહેતા મહિલાએ અગાઉના લગ્ન અંગે નોટરી સમક્ષ છુટાછેડા લઈ લીધા હતા અને તેના દસ્તાવેજના આધારે નવા સબંધમાં પ્રવેશ કર્યો હતો. બંને પક્ષ દ્વારા પુનર્વિવાહની ઈચ્છા વ્યક્ત કરવામાં આવતા જૂનાગઢમાં આવેલા મંદિર ખાતે ઘર ઘરણું કરવામાં આવ્યું હતું. 2011માં પત્નીએ પતિ સામે ભરણપોષણની અરજી કરી હતી. 2013માં ફેમિલી કોર્ટે પત્ની કાનુની રીતે તેના પતિ સાથે લગ્ન થયા હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું નોંધી અરજી નકારી હતી. આ બાબતે મહિલા હાઈકોર્ટમાં ગઈ હતી. હાઈકોર્ટે આ પ્રકરણમાં અગાઉ ફેમિલી કોર્ટ દ્વારા થયેલા હુકમને રદ કર્યો હતો અને દંપતીની અરજી ફરી સાંભળવા અને સમય મર્યાદામાં આ બાબતે નિરાકરણ લાવવા આદેશ કર્યો હતો. જેના અનુસંધાને જૂનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્સીપલ જજ પ્રેમ હંસરાજસિંહે ફરી બંને પક્ષને સાંભળ્યા હતા. તમામ પુરાવાઓ તેમજ અભ્યાસને આધારે હિન્દુ મેરેજ એક્ટમાં ઘર ઘરણું જેવા લગ્નની કોઈ કાનુની વ્યાખ્યા અથવા જોગવાઈ નથી તેમ છતાં સૌરાષ્ટ્રમાં આ લગ્ન સમાજમાં રિવાજરૂપે અનુસરવામાં આવે છે. રિવાજો લાંબા સમયથી ચાલી આવતી પરંપરા છે, જ્યાં કોઈ સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ન હોય ત્યાં રિવાજ માન્ય ગણાય છે. રિવાજોને તમામ ધર્મમાં સર્વોચ્ચ માન્યતા પ્રાપ્ત હતી. ઘર ઘરણું વિધી સૌરાષ્ટ્રની પ્રચલીત અને સામાજિક રીતે સ્વીકારાયેલી વિધી છે. હિન્દુ મેરેજ એક્ટના સેક્શન 7 મુજબ કોઈ હિન્દુ લગ્ન પ્રચલીત રિવાજ અનુસાર કરવામાં આવે તો તે માન્ય ગણાય છે. સપ્તપદી ફરજીયાત વિધીનો ભાગ નથી અને બહુવિધ સાક્ષીઓએ આ રિવાજને માન્ય ગણાવ્યો છે. ભગવત ગૌ મંડલ વિશ્વ કોષમાં ઘર ઘરાઉ અથવા ઘર ઘરણું શબ્દનો અર્થ પુર્નલગ્ન તરીકે દર્શાવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના અનેક સમાજોની આ એક ઓળખાયેલી અને સ્થાપિત પરંપરા છે. આ રિવાજી વિધીથી થયેલા લગ્નને માત્ર તકનીકી કારણસર અમાન્ય માનવાની કોઈ સ્થિતિ ઉભી થતી નથી. રિવાજી વિધી માન્ય હોવાથી મહિલાના ભરણપોષણના હક્કને કાયદો સુરક્ષા આપે છે.


