Get The App

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં 1 - image

મનપામાં મનસ્વી શાસન સામે અંદરખાને અસંતોષ : ઉમેદવારો બદલાશે  પક્ષના હાંસિયામાં ધકેલાયેલા નેતાઓને નોતરીને નિરીક્ષકોએ સેન્સ લીધી : સર્વાનુમતિ ન હોય દરેક પદ માટે 3-3ની પેનલ 

 રાજકોટ, : રાજ્યમાં અન્ય મહાનગર પાલિકાઓ સાથે રાજકોટ મહાપાલિકાની આગામી એપ્રિલ સુધીમાં ચૂંટણી યોજાનાર છે અને વર્તમાન ચૂંટાયેલા સભ્યોનો કાર્યકાલ માર્ચમાં પૂરો થઈ રહ્યો છે ત્યારે લાંબા સમયથી ખાલી પડેલા શહેર ભાજપના મહામંત્રી સહિતના હોદ્દાઓ પર નિયુક્તિ કરવા આજે કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ૨૧ હોદ્દા માટે ઈચ્છા વ્યક્ત કરીને કે નામ વહેતું કરીને છુપી ઈચ્છા સાથેના અંદાજે 150 જેટલા નેતાઓ કતારમાં છે. 

આ સેન્સ પ્રક્રિયામાં મનપા સહિતના વહીવટમાં હાંસિયામાં ધકેલી દેવાતા અલિપ્ત થઈ ગયેલા  સિનિયર નેતાઓને મંચ પર સ્થાન અપાયું હતું. ગોવિંદ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, અરવિંદ રૈયાણી વગેરે પણ નજરે પડયા હતા. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો શહેરના સિનિયર નેતા વજુભાઈ વાળાના નિવાસે પહોંચ્યા હતા અને ચર્ચા પક્ષ અંગે ચર્ચા કરી હતી. 

રાજકોટ મહાપાલિકામાં હાલ ભાજપનું શાસન છે પરંતુ, ભાજપના તમામનું શાસન નહીં હોવાનો અહેસાસ ખુદ ભાજપના અનેક સભ્યોએ પદ મળ્યું તેમની મનમાની, શંકાસ્પદ નિર્ણયો અંગે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વ્યક્ત કરતા રહ્યા છે. તો પૂર્વ ઝોનમાં ચોક્કસ ઉમેદવારને જ પદ આપવાની માંગણી સર્વવિદિત છે. આ સ્થિતિમાં પ્રમુખને બાદ કરતા 20 હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ નિરીક્ષકોએ બનાવી છે જે અંગે પ્રદેશ પ્રમુખ પાંચ-છ દિવસમાં નિર્ણય લેશે.