આવી રીતે ભણશે ગુજરાત ? સુરત પાલિકા સંચાલિત હિન્દી માધ્યમની શાળામાં પુસ્તક મળ્યા નથીનો કકળાટ
Surat : સુરત પાલિકા સંચાલિત શાળા શરૂ થયાને ત્રણેક મહિનાનો સમય થઈ ગયો છે તેમ છતાં નવી શરૂ થયેલી હિન્દી માધ્યમની ત્રણથી ચાર શાળામાં અંગ્રેજી વિષયના પુસ્તકો મળ્યા નથી. આ પાઠ્યપુસ્તક આવ્યા નથી અને હાલ ત્રીમાસીક પરીક્ષા પણ શરૂ થઈ ગઈ છે તેથી પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી ભાષાની પરીક્ષા પાઠ્ય પુસ્તક વિના જ આપી રહ્યાં છે.
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોએ સત્ર શરૂ થયું અને ગણવેશ અને બુટ મોજા સાથે ભાજપના નેતાઓના ફોટાવાળી નોટબુકનું વિતરણ તો કરી દીધું છે. પરંતુ પાલિકાએ શરૂ કરેલી નવી શાળામાં પાઠ્ય પુસ્તકો હજી સુધી પહોંચાડી શક્યા નથી. પાલિકાએ હાલ નવી હિન્દી માધ્યમની શાળા શરૂ કરી છે અને તેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે પરંતુ આ ત્રણથી ચાર હિન્દી માધ્યમની શાળા એવી છે કે જેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પુસ્તકો હજી સુધી પહોંચ્યા નથી.
જોકે, શાસકો એવી વાત કરે છે કે આ નવી શાળા શરૂ થઈ છે અને તેનો ડેસ્ક નંબર પણ આવ્યો નથી. આ શાળામાં વિદ્યાર્થીઓ અંગેની માહિતી સરકારમાં મોકલી આપવામાં આવી છે. પાઠ્યપુસ્તકો સરકારમાંથી આવતા હોવાથી અઠવાડિયામાં પુસ્તકો મળી જશે તેવી વાત શાસકો કરી રહ્યાં છે.
જોકે, શાળા શરૂ થઈ અને ત્રણેક મહિનાનો સમય થઈ ગયો છે અને ચાર જેટલી હિન્દી માધ્યની શાળાના વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકો ન હોવાથી તેઓ પુસ્તક વિના જ અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા. એટલું જ નહીં પરંતુ એકમ કસોટી રદ થયા બાદ હવે ત્રીમાસીક પરીક્ષા શરૂ કરવામાં આવી છે અને તે શરૂ પણ થઈ ગઈ છે તેથી હવે પુસ્તકોનો અભ્યાસ વિના જ અભ્યાસ તો કર્યો છે અને તેવા અભ્યાસે જ તેઓ ત્રીમાસીક પરીક્ષા આપી રહ્યાં છે આ પાઠ્યપુસ્તક ન હોવાની અસર આ વિદ્યાર્થીઓના પરિણામ પર જોવા મળશે તે નિશ્ચિત છે.