Gujarat

ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું

By GS TEAM
23 Aug 20251 min read
ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું

- સ્થાનિકોએ અકસ્માત નિવારવા આડશ મૂકી

- પુલ ઉપરથી 20 થી વધુ ગામના લોકો, એસટી બસ સહિતના વાહનો પસાર થતા અકસ્માતનો ભય

ઠાસરા : ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર ૬ મહિનાથી મોટું ગાબડું પડયું છે. ગાબડાંવાળા પુલ ઉપરથી એસટી બસ સહિતના વાહનો ૨૪ કલાક પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ મોટા અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા પુલનું સમારકામ કરવા માંગણી ઉઠી છે.

ઠાસરા નગરના બળિયાદેવ મંદિરથી સ્વામિનારાયણ મંદિર તરફ કાંસના પુલ ઉપર છેલ્લા છ મહિનાથી મોટો ખાડો પડયો છે. અજાણ્યા વાહન ચાલકો ખાડાંમાં પડે તો કાંસના ઊંડા પાણીમાં પડવા સાથે મોટા અકસ્માત અને જાનહાનિનો ભય છે. 

આ રસ્તા ઉપરથી બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર સુધી એસટી બસો અને ખાનગી વાહનો પસાર થાય છે. ઠાસરાથી ગળતેશ્વર તાલુકાના ૨૦થી વધુ ગામાના લોકો, વિદ્યાર્થીઓની અવર- જવર છે. નડિયાદ, આણંદ અને વડોદરા શહેરોમાં જવા માટે પણ આ ગાબડાંવાળા કાંસ ઉપરથી પસાર થવું પડે છે. 

અકસ્માત નિવારવા હાલ સ્થાનિકોએ આડશ મૂકી ગાબડું ઢાંકી દીધું છે. કાંસના ખાડાંની કોઈ સરકારી તંત્ર જવાબદારી લેવા તૈયાર ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. 

ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પહેલા ગાબડું આરસીસીથી પૂરાય તેવી માંગણી સ્થાનિકોમાં ઉઠી છે.