લો કમિશનના 120માં રિપોર્ટ મૂજબ દર 10 લાખે 50 જજો જરૂરી : કૂલ કોર્ટ કેસોની સંખ્યા 5 કરોડ, 11 ટકા દસકાથી પેન્ડીંગ, રોજ અંદાજે 12 લાખ નવા કેસો નોંધાય છે
રાજકોટ, : જસ્ટીસ ડિલેય્ડ ઈઝ જસ્ટીસ ડિનાઈડ એવું બ્રિટેનના એક રાજદ્વારી વ્યક્તિએ 18મી સદીમાં કહ્યું હતું અને આજે પણ કોર્ટમાં અનેક કેસોના ચૂકાદા આવતા વર્ષો વિતી જાય છે અને તેનું એક કારણ કોર્ટ અને ન્યાયધીશોની સંખ્યા મર્યાદિત છે અને કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. ગઈકાલે સંસદમાં જજ-પોપ્યુલેશન રેશિયો અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં કાયદો અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે દર 10 લાખની વસ્તીએ ભારતમાં હાલ અંદાજે માત્ર 22 જજો છે.
જો કે મંત્રાલય આ દર નક્કી કરવા માટે ગત ઈ. 2021ની વસ્તીગણતરી થઈ નહીં હોવાથી ઈ. 2011ની ગણત્રી ધ્યાને લે છે જ્યારે ભારતની વસ્તી 121 કરોડ હતી, હાલ આ વસ્તી 142 કરોડ જેટલી અંદાજાય છે. અને જજની સંખ્યા એ મંજુર સંખ્યા ગણવામાં આવે છે. આમ, વધતી વસ્તી, જજોની ખાલી પડતી જગ્યા વગેરે ધ્યાને લેતા તો આથી નીચો દર આવી શકે.
ખુદ લો કમિશનના વર્ષો પહેલાના 120માં અહેવાલમાં એવી ભલામણ કરાઈ હતી કે ન્યાયધીશ-વસ્તીનો રેશિયો દર 10 લાખ વસ્તીએ 50નો રાખવા ભલામણ કરી હતી.
નેશનલ જ્યુડીશલ ડેટા મૂજબ હાલ કૂલ 478.99 લાખ કેસો છે અને તે ઉપરાંત 12.84 લાખ પ્રિલીટીગેશન કેસો સહિત આંકડો 5 કરોડે પહોંચે છે. આ પકૈી 11 ટકા કેસો જેમાં 18 ટકા સિવિલ અને 82 ટકા ક્રીમીનલ કેસો છે તે આશરે 10 વર્ષ કે વધુ સમયથી પેન્ડીંગ છે. રોજ આશરે 12 લાખ જેટલા નવા કેસો દાખલ થાય છે. પેન્ડીંગ કેસોમાં આશરે 8 ટકા મહિલાઓ દ્વારા દાખલ થયેલા અને 7 ટકા સિનિયર સિટીઝનો દ્વારા દાખલ થયેલા કેસો છે. આ સાથે સરકારે NCRBના રિપોર્ટને ટાંકીને 2023ની સ્થિતિએ (હાલ 2026 ચાલે છે) 3,89,910 અન્ડરટ્રાયલ્સ આરોપીઓ છે જેઓ નિર્દોષ કે ગુનેગાર તે ન્યાય તોળવાનું બાકી છે.


