Get The App

કુરિયરમાં આવતા પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ

ચાર મહિના દરમિયાન ૫.૫૭ લાખના પાર્સલ ચોરી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
કુરિયરમાં આવતા  પાર્સલની ચોરી : ચાર કર્મચારી સામે ગુનો દાખલ 1 - image

વડોદરા,કુરિયર કંપનીના કર્મચારીઓ  કન્ટેનરમાંથી કેટલાક પાર્સલ બારોબાર પોતે લઇ લેતા હતા. ગ્રાહકને પાર્સલ ડિલીવર કરી તેઓ બારોબાર પૈસા લઇ લેતા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તરસાલી  પાણીની ટાંકી  પાસે કમલાપાર્ક સોસાયટીમાં રહેતો કૃણાલ લક્ષ્મણભાઇ નાગરે  એક કુરિયર કંપનીમાં મેનેજર છે. તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીની માંજલપુરની બ્રાંચમાં ઇન્ચાર્જ  તરીકે અંકિત અનિલકુમાર ક્રિશ્ચન (રહે. નવરચના સોસાયટી, ચાણક્યપુરી, ન્યુ સમારોડ) છે. તેની મદદમાં રાજેશ સંતોષભાઇ સપકાલ (રહે. રામદેવનગર, માંજલપુર) છે. તેેઓ કંપની તરફથી આવેલી કુરિયર બેગ ઉતારવાનું કામ કરતા હતા. અન્ય બે વ્યક્તિઓ દેવાંગ તુલસીદાસ ઠાકોર (રહે. બાલાજી મંદિર, ઘી કાંટા રોડ, રાવપુરા) તથા રોશન ભાઇસાહેબ માલૂસરે (રહે. પ્રમુખ ભૂમિ સોસાયટી,  વિશાલનગર પાસે) કુરિયર ડિલીવરીનું કામ કરતા હતા.અકોટા તથા અટલાદરાની બેગો ગુમ થવાની ફરિયાદ આવતા અમે સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, આરોપીઓ એકબીજાની મદદગારીમાં કન્ટેનરમાંથી કેટલીક બેગ પોતાના ટુ વ્હિલર પર મૂકીને જતા રહેતા  હતા. ત્યારબાદ તેઓ ગ્રાહકને કુરિયર આપી ડાયરેક્ટ પૈસા લઇ લેતા હતા. છેલ્લા ચાર મહિના દરમિયાન તેઓએ ૫.૫૭ લાખની કિંમતના પાર્સલની ચોરી કરી હતી.