માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના ઘરમાં ત્રાટકેલા ચોરો
બે બેડરૃમના કબાટના સ્લાઇડિંગ ડોર તોડી રોકડ, દાગીના, ફોન ચોરો ઉઠાવી ગયા
વડોદરા, તા.15 માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરના વડોદરા નજીક અણખોલ ખાતેના મકાનને નિશાન બનાવી ચોરો દાગીના અને રોકડ મળી રૃા.૧.૮૫ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
રાજપીપળા ખાતે શક્તિવિજય કોલોનીના મૂળ વતની પરંતુ હાલ વડોદરા નજીક અણખોલ ખાતે એલ એન્ડ ટી નોલેજ સિટિ પાછળ તક્ષ ઔરા ખાતે રહેતા અનિલ વજેસિંગ વસાવાએ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સુરત ખાતે માર્ગ અને મકાન વિભાગમાં ગુણવત્તા નિયમન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું.
તા.૧૩ના રોજ વતનના ગામ સાગબારા તાલુકાના બોરડીફળી ગામમાં પરિવારના સભ્યો સાથે સવારે લગ્નમાં ગયો હતો અને રાત્રે ઘેર પરત ફર્યો ત્યારે ઘરના પહેલા તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ખાતેના બેડરૃમના સ્લાઇડિંગ દરવાજાના કબાટના દરવાજા લોક સાથે તૂટેલા હતા અને અંદર મૂકેલ રૃા.૨૫ હજાર રોકડ તેમજ સોનાના દાગીના અને એપલ ફોન મળી કુલ રૃા.૧.૮૫ લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું. તેમણે જણાવ્યું હતું કે ઘરમાં કલરકામ તેમજ અગાસીના ટાઇલ્સનું રિપેરિંગ ચાલે છે પરંતુ અમે બહારગામ ગયા હોવાથી તે દિવસે કામ બંધ રાખ્યું હતું.