જૈન દેરાસરમાંથી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં એક શખ્સની ધરપકડ
મજૂરી દરમિયાન ધાર્મિક સ્થળોની રેકી કર્યા બાદ સાગરીતોને બોલાવી ચોરી, ધાડ, લૂટ કરતા હતા

કરજણ તા.૨૭ કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલ રાજ ઈન્ડસ્ટ્રિયલપાર્કના જૈન દેરાસરમાં થયેલી રૃા.૨૦.૮૦ લાખની ચોરીમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૯ના રોજ કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલી રાજ ઈન્ડસ્ટ્રિયલપાર્કમાં આવેલ જૈન દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારની બાજુની બારીના સ્ટેનલેસ સ્ટીલના સળિયા તોડી અંદર પ્રવેશી ત્રણ મૂલ્યવાન પ્રભુની મૂતઓ તેમજ બે દાનપેટીમાંથી ભેટની રોકડ રૃા.૧.૧૦ લાખ મળી કુલ રૃા.૨૦.૮૦ લાખની ચોરી થઇ હોવાની ફરિયાદ નોધાઇ હતી.
જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. સીસીટીવી ચેક કરવા ઉપરાંત આ પ્રકારના ગુના આચરતા શખ્સોની યાદી મેળવી હતી. દરમિયાન ચોરીમાં સંડોવાયેલ રાહુલ લાલચંદ મેડા (રહે.નઢેલાવ, કાંગણી ફળિયા, તા.ગરબાડા, જિ.દાહોદ) કરજણ ખાતે આવવાનો છે તેવી માહિતીના આધારે ધાવટ ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો. તેને જૈન દેરાસરમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
રાહુલ તેમજ તેના સાગરીતો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી માટે જઈ આજુબાજુમાં આવેલ મંદિરો, દેરાસરો તથા અન્ય ધામક સ્થળોની રેકી કરી અન્ય સાગરીતોને બોલાવી ધાડ, લૂંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતાં હતાં. ઝડપાયેલા શખ્સ સામે કરજણ તેમજ અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયા છે. પોલીસે આરોપી પાસેથી રૃા.૧ લાખ કિંમતનો સાત દીવાવાળો ચાંદીનો હાથી, એક મોબાઇલ ફોન કબજે કર્યો હતો.