Gujarat
તળાજા તાલુકાના બેલા ગામે રહેણાંકી મકાનમાં ચોરી
By GS TEAM
21 Nov 20251 min read

અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ઘરના કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.૧.૭૮ લાખની ચોરી
ભાવનગર: તળાજા તાલુકાના બેલા ગામે રહેણાંકી મકાનમાંથી રૂ.૧.૭૮ લાખની કિંમતના સોના-ચાદીના ઘરેણાંની ચોરી થયાં અંગેની પોલીસ ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાઈ છે.
તળાજા તાલુકાના બેલા ગામે રહેતા રાજુભાઈ રમણીકભાઈ બારૈયા તેમના ગામમાં હિંમતભાઈ ધાંધલ્યાના ઘરે લગ્ન લીધેલા હોવાથી આજે સવારે ૯.૩૦ કલાકના અરસામાં ઘરે તાળું મારીને પરિવાર સાથે જમવા માટે ગયા હતા અને બપોરે ૧૧.૩૦ કલાકે ઘરે પરત આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશી તેના ઘરના એક રૂમમાં રાખેલા લોખંડના કબાટની તિજોરીમાં રાખેલા રૂ.૧,૭૮,૩૯૭ની કિંમતના સોના અને ચાંદીના ઘરેણાં ચોરી ગયા હતા. બનાવ અંગે રાજુભાઈ રમણીકભાઈ બારૈયાએ અલંગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








